આપણે એક શુદ્ધિથી બીજી શુદ્ધિ તરફ વળીએ, એક સૂક્ષ્મતાથી બીજા તરફ વળીએ, એક આનંદથી બીજા આનંદ તરફ વળીએ, પરંતુ તે બધાના કેન્દ્રમાં `હું’ છે. આ `હું’ આનંદ માણે છે, તે વધારે સુખ ઈચ્છે છે. આ `હું’ શોધે છે, રાહ જુએ છે, સુખ માટે તલસે છે, તે માટે સંઘર્ષ કરે છે.
આ `હું’ વધુ ને વધુ શુદ્ધ થતો જાય છે, પરંતુ તેનો અંત થાય તે તેને ક્યારેય નથી ગમતું. આ `હું’નો, એ `અહં’નો જ્યારે તેનાં બધાં જ સ્વરૂપો સાથે અંત આવે છે ત્યારે એક અવસ્થા પ્રાપ્ત થાય છે અને તે એક આશીર્વાદ જેવી અવસ્થા છે. તેને શોધી શકાતી નથી, તે પરમાનંદ, વાસ્તવિક આનંદની, પીડા રહિત, ભ્રષ્ટ થયા વગરની અવસ્થા હોય છે.
જ્યારે મન `હું’ કે `અહં’ના વિચારથી આગળ જાય, અનુભવથી આગળ જાય, નિરીક્ષક અને વિચારકથી પણ આગળ જાય ત્યારે એ અવિનાશી સુખની શક્યતા ઉદ્ભવે છે. જે અર્થમાં આપણે સમજીએ છીએ તે અર્થમાં એ સુખ કાયમી નથી હોતું, પરંતુ આપણું મન એવું કાયમી સુખ શોધે છે, જે હંમેશાં ટકે, જે ચાલુ જ રહે. આ સતત ચાલુ રહેવાની ઈચ્છા જ મનને ભ્રષ્ટ કરે છે, તે અયોગ્ય ઈચ્છા છે.
જો આપણે જીવનની પ્રક્રિયાને વખોડ્યા વગર, તેને સાચી કે ખોટી કહ્યા વગર સમજી શકીએ તો મને લાગે છે કે એક એવું સર્જનાત્મક સુખ ઉદ્ભવે છે કે જે `તમારું’ કે `મારું’ નથી હોતું. એ સર્જનાત્મક સુખ સૂર્યપ્રકાશ જેવું છે. જો તમે એ સૂર્યપ્રકાશને તમારી પાસે રાખવા માંગતા હોવ તો તે સ્વચ્છ, સ્પષ્ટ, હૂંફાળો અને જીવનદાતા સૂર્ય નથી રહેતો. એ જ રીતે જો તમે દુ:ખી છો તેથી અથવા તમે કોઈ સ્વજનને ગુમાવ્યા છે તેથી કે તમે સફળ નથી થઈ શક્યા એટલા માટે સુખની કામના કરતા હો તો તે માત્ર તમારી પ્રતિક્રિયા છે, પરંતુ જો મન તેની પેલે પાર જઈ શકે, તેને અતિક્રમી શકે તો એવું સુખ ઉદ્ભવે છે જે મનનું નથી હોતું.
દુ:ખને સમજવું
`સુખ એટલે શું’ એવું આપણે શા માટે પૂછીએ છીએ? શું તે યોગ્ય અભિગમ છે? શું તે તપાસ કરવાની સાચી રીત છે? આપણે સુખી નથી, જો આપણે સુખી હોત તો આપણું વિશ્વ તદ્દન જુદું જ હોત. આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ સંપૂર્ણપણે ધરમૂળથી જુદી જ હોત. આપણે ક્ષુલ્લક સંઘર્ષ કરતા પોકળ અને દુ:ખી માણસો છીએ. આપણે પૈસા, મહત્ત્વાકાંક્ષાઓ જેવી નકામી બાબતોની આસપાસ ઘેરાયેલા રહીએ છીએ. આપણે દુ:ખી માણસો છીએ, ભલે આપણે જાણતા હોઈએ તે છતાં, ભલે આપણી પાસે પૈસો હોય, શાનદાર મકાનો, મોટરગાડીઓ અને અનુભવ હોય છતાં આપણે દુ:ખી, મુશ્કેલી ભોગવતા માણસો છીએ, કારણ કે આપણે દુ:ખી છીએ તેથી આપણે સુખ ઈચ્છીએ છીએ. એટલે જ આપણે એ લોકોના દોરવાયા દોરાઈએ છીએ કે જે લોકો આપણે સામાજિક, આર્થિક અથવા અાધ્યાત્મિક સુખ આપવાનું વચન આપે છે. જો હું દુ:ખ ભોગવતો રહું તો સુખની તપાસ કરવાનો શો અર્થ? કેવી રીતે સુખી થવું તે નહીં, પરંતુ હું દુ:ખને સમજી શકું છું કે નહીં? એ મારી સમસ્યા છે. જ્યારે હું દુ:ખ ન ભોગવતો હોઉં ત્યારે હું સુખી હોઉં છું, પરંતુ જે ક્ષણે હું તેનાથી સભાન થાઉં છું ત્યારે તે સુખ નથી રહેતું, તેથી મારે દુ:ખ શું છે એ સમજવું જ રહ્યું. જો દુ:ખના ભોગવટાને સમજવો હોય તો સંપૂર્ણપણે તેની સાથે રહેવું જોઈએ.