રજત પાટીદારના કેપ્ટન પદ્દ પર રમી રહેલી RCB ટીમ હાલ IPL 2025ના ફાઈનલ સ્ટેજ પર પહોંચી ગઈ છે. આ સાથે જ રજત પાટીદારે એક ખાસ સિદ્ધિ હાંસિલ કરી છે. રજત પાટીદારનું નામ આ દિગ્ગજોની લિસ્ટમાં શામેલ થઈ ગયું છે, જેમણે પહેલી વખત કેપ્ટન પદે રહીને પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે. આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને અનિલ કુંબલે જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. RCBએ પહેલા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. આ મેચમાં RCBની ટીમે જબરદસ્ત પ્રદર્શન કરીને પંજાબને હરાવી દીધું હતું.
ધોની-કુંબલેએ પણ મેળવી છે સિદ્ધિ
IPLમાં પહેલીવાર કેપ્ટન પદે રહીને ટીમને ફાઈનલ સુધી લઈ જવાવાળાની વાત કરીયે તો તેનો સિલસિલો શરૂ થાય છે મહેન્દ્ર સિંહ ધોનીથી. ધોનીએ 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સનું કેપ્ટન પદ સંભાળ્યું હતું. આ સિઝનમાં ચેન્નાઈની ટીમ ફાઈનલ સુધી તો પહોંચી હતી, પરંતું જીતી શકી નહોતી. વર્ષ 2009ની વાત કરીયે તો આ વર્ષે અનિલ કુંબલેએ પહેલી વખત RCBનું કેપ્ટન પદ સંભાળ્યું હતું. કુંબલે આ સિઝનમાં પોતાની ટીમને ફાઈનલ સુધી લઈ ગયા હતા. જો કે તેઓ પણ RCBને મેડલ અપાવી શક્યા નહોતા.
વર્ષ 2013માં રોહિત શર્મા પહેલી વખત મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા હતા. આ સિઝનમાં રોહિત ફક્ત પોતાની ટીમને ફાઈનલ સુધી નહોતા લઈ ગયા પણ ચેમ્પિયનશીપ પણ જીતી હતી. 2013 માં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ફાઈનલમાં હરાવી દીધું હતું. ત્યારબાદ 2022માં હાર્દિક પંડ્યાએ પહેલી વખત કેપ્ટન પદ સંભાળીને ગુજરાતની ટીમને ચેમ્પિયન બનાવી હતી.


