- વર્લ્ડ કપ 2023માં ઈજાગ્રસ્ત થયા હતા હાર્દિક પંડ્યા
- હાલમાં સોશિયલ મીડિયામાં ગલી ક્રિકેટનો વીડિયો વાયરલ
- હાર્દિક સાથે જાણીતા કોમેન્ટેટર જતિન સપ્રૂ પણ મળ્યા જોવા
હાર્દિક પંડ્યા વનડે વર્લ્ડ કપ 2023ના બાદ ઈજાગ્રસ્ત થયા હતા, આ પછી તે અત્યાર સુધી મેદાન પર પરત આવી શક્યા નથી. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની સામે રમાયેલી મેચમાં હાર્દિકને ઈજા થઈ હતી. વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ અનેક વ્હાઈટ બોલ સીરિઝ રમી પણ પંડ્યા કોઈ પણ સીરીઝમાં વાપસી કરી શક્યા નહીં. હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા. સિમ્પલ બ્રાઉન શર્ટ અને હાથમાં બેટ સાથે તેઓ ફેન્સને ખુશ કરી રહ્યા હતા.
મેદાન પર પરત નથી ફર્યા પંડ્યા
ઉલ્લેખનીય છે કે ભારતીય ઓલ રાઉન્ડર ભલે ક્રિકેટના મેદાન પર પરત ન આવી શક્યા હોય પણ મુંબઈની ગલી ક્રિકેટમાં તેમની હાજરી જોવા મળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા ગલી ક્રિકેટ રમતા જોવા મળ્યા છે. તેમની સાથે ફેન્સ પણ આનંદ માણી રહ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈની ગલીમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ત્યારે તેમની સાથે જાણીતા કોમેન્ટેટર જતિન સપ્રૂ પણ જોવા મળ્યા હતા. વીડિયોમાં હાર્દિકના હાથમાં બેટ જોવા મળી રહ્યું છે તો સપ્રૂના હાથમાં બોલ. ભીડે હાર્દિક પંડ્યાને ચારેતરફથી ઘેરી રાખી છે અને તેમનો વીડિયો પણ બનાવી રહ્યા છે.
ફેન્સે વ્યક્ત કરી ચિંતા
સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં યૂઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ કહે છે કે આશા રાખું છું કે આ સમયે તે ફરી ઈજાગ્રસ્ત ન થાય. તો અન્ય એક યૂઝરે લખ્યું કે ફેન્સ તેમને સ્ટેડિયમમાં ફરી આવવાની રાહ જોઈ રહ્યા છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે તે આજકાલ ભારતીય ક્રિકેટ માટે રમવા સિવાય તમામ કામ કરી રહ્યા છે. આમ વિવિધ રીતે ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


