ગોકુળની બાળલીલા
જન્મ અને ગોકુળમાં આગમન : મથુરાના રાજા કંસની અંધકારમય જેલમાં દેવકીના આઠમા સંતાન તરીકે મધ્ય રાત્રિએ એમનો જન્મ થયો. વસુદેવજીએ યોગમાયાની કૃપાથી, યમુના નદી પાર કરી એમને ગોકુળમાં નંદબાબા અને યશોદાનાં ઘરે પહોંચાડ્યા. ગોકુળમાં તેમનું આગમન થતાં જ વાતાવરણમાં આનંદ અને ઉત્સવ છવાઈ ગયો. દરેક માતા-પિતાની માફક જ નંદબાબા અને યશોદાજીને કૃષ્ણ તેમના પ્રાણથી પણ વધુ પ્રિય હતા. માત્ર માતા-પિતા જ કેમ, બાળકૃષ્ણ તો ગોકુળ આખાના પ્રિય અને પ્રખ્યાત હતા.
2. માખણચોરની મોહક લીલા : કૃષ્ણની સૌથી પ્રિય લીલાઓમાંની એક માખણચોરી હતી. તેઓ ગોપીઓના ઘરમાંથી માખણ, દહીં અને દૂધ ચોરીને પોતે ખાતા અને વાનરો તેમજ પોતાના મિત્રોને પણ ખવડાવતા. ગોપીઓ એમની ફરિયાદ યશોદા માતા પાસે કરતી, પણ કૃષ્ણની માસૂમ આંખો અને મીઠી વાતો સાંભળીને સૌ તેમનો ક્રોધ ભૂલી જતાં. આ લીલા દ્વારા કૃષ્ણએ ગોપીઓ સાથે એક દિવ્ય અને આત્મિક પ્રેમનો સંબંધ સ્થાપ્યો હતો, જ્યાં ભૌતિક સંપત્તિ નહીં, પરંતુ ભક્તિ અને પ્રેમનું મહત્ત્વ હતું.
1. પૂતના મોક્ષ : કંસને ખબર પડી કે ગોકુળમાં એક મહાપરાક્રમી બાળકનો જન્મ થયો છે ત્યારે એને શંકા ગઇ કે કદાચ એ જ એનો ભાણેજ છે, એટલે એણે એને મારવાના પ્રયત્નોની શરૂઆત ભગવાન સાવ નાના પારણે ઝૂલતા ત્યારથી જ કરી દીધી હતી. આ પ્રયત્નોમાં પ્રથમ પગલું એટલે પૂતના. કંસ દ્વારા મોકલાયેલી પૂતના નામની ભયંકર રાક્ષસી સુંદર સ્ત્રીનું રૂપ લઈને કૃષ્ણને મારવા આવી હતી. એણે પોતાનું ઝેરવાળું દૂધ બાળ ગોપાળને પીવડાવવાનો પ્રયાસ કર્યો, પણ બાળ કૃષ્ણએ એ દૂધની સાથે જ પૂતનાના પ્રાણનું પણ પાન કરી લીધું. આ લીલામાં બાળ કૃષ્ણએ પૂતનાને મોક્ષ આપીને દર્શાવ્યું કે ભગવાનના દુશ્મનોને પણ જો એમનો સ્પર્શ થાય તો તેમના જીવનો ઉદ્ધાર થઇ જાય છે.
3. યશોદા માતાને મુખમાં બ્રહ્માંડદર્શન : એકવાર કૃષ્ણ માટી ખાતા હતા, ત્યારે યશોદામાએ તેમને રોકીને મોઢું ખોલવા કહ્યું. કૃષ્ણએ મોઢું ખોલ્યું અને માતાને તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ, સમુદ્રો, પર્વતો અને સંપૂર્ણ બ્રહ્માંડનાં દર્શન થયાં. આ દિવ્ય અનુભવથી યશોદા સમજી શક્યાં કે તેમનો પુત્ર કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ સ્વયં પરબ્રહ્મ છે.
4. અઘાસુરનો વધ : પૂતનાના વધ બાદ પૂતનાના ભાઇ અઘાસૂરે બાળ ગોપાળને મારવાનું બીડું ઝડપ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને એમના મિત્રો ગાયો ચરાવવા ગયા હતા. ગાયો ચરતી હતી એ સમયે ગોવાળિયાઓએ રમતાં રમતાં એક મોટી ગુફા જોઇ. એ ગુફા પહેલાં ક્યારેય નહોતી જોઇ એટલે એમને નવાઇ લાગી. બધા મિત્રો એની અંદર ગયા. બધા અંદર ગયા એ કૃષ્ણએ જોયું. એમને અણસાર આવી ગયો કે આ ગુફા નથી પણ મોટો અજગર છે જે મોઢું ખોલીને બેઠો હતો. કૃષ્ણ જાણતા હતા કે આ કોણ છે અને શેના માટે આવ્યો છે એટલે એ પણ પોતાના મિત્રોની રક્ષા માટે એમના મુખમાં ગયા. અજગરના મુખમાં જેવા કૃષ્ણ ગયા કે તરત એણે મોઢું બંધ કરી દીધું. ગોવાળિયાઓ ગભરાઇ ગયા. એમને બચાવવા કૃષ્ણએ વિરાટ રૂપ ધારણ કર્યું. એમના વિરાટ રૂપથી અઘાસુરનો જીવ ગૂંગળાયો. થોડી ક્ષણોમાં જ એનું પ્રાણ પંખેરું ઊડી ગયું. આમ, મિત્રોને કાનાએ બચાવી લીધા. અઘાસુરનો વધ કરીને કૃષ્ણએ મિત્રો માટેનો પ્રેમભાવ અને રક્ષાભાવ છતો કર્યો હતો.
5. ગોવર્ધનલીલા : એકવાર ઇન્દ્રએ ગોકુળવાસીઓ પર પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રચંડ વરસાદ વરસાવ્યો હતો. કૃષ્ણએ ગાયો અને ગોવાળો તેમજ ગામવાસીઓને બચાવવા માટે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકી લીધો. સાત દિવસ અને સાત રાત સુધી એમણે સમગ્ર ગોકુળને તેની નીચે આશ્રય આપ્યો. આ લીલા દ્વારા તેમણે ઇન્દ્રના અહંકારનો નાશ કર્યો અને ગાયો, પ્રકૃતિ અને ગોવાળોના સંરક્ષણનું મહત્ત્વ સમજાવ્યું.
6. રાધા મીલન અને અલૌકિક પ્રેમ : રાધા ઉંમરમાં કૃષ્ણથી મોટા પણ એમની ગોઠડી એટલી પાક્કી કે રાધા કૃષ્ણની જોડી બની ગઇ હતી. ક્રુષ્ણ વાંસળી વગાડે અને રાધાજી મંત્રમુગ્ધ બની એને સાંભળે. એ બાળપણનો પ્રેમ અને રાધાજીની લાગણી એટલી મજબૂત હતી કે આજેય લોકો કૃષ્ણની સાથે રાધાજીને ચોક્કસ યાદ કરે છે.
7. રાસલીલા : શરદપૂનમની રાત્રે કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા કરી. આ રાસલીલા ભૌતિક નૃત્ય નહોતું, પરંતુ આત્માનું પરમાત્મા સાથેનું દિવ્ય મિલન હતું. દરેક ગોપીને એવું લાગતું કે કૃષ્ણ માત્ર તેની સાથે જ નૃત્ય કરી રહ્યા છે. આ લીલામાં પ્રેમ અને ભક્તિની પરાકાષ્ઠા દર્શાવવામાં આવી છે.
મથુરા અને દ્વારિકાની લીલા
1. કંસનો વધ અને ધર્મની સ્થાપના : કંસ દ્વારા આયોજિત યજ્ઞમાં કૃષ્ણ અને બલરામ મથુરા પહોંચ્યા. ત્યાં તેમણે ચાણુર અને મુષ્ટિક જેવા બળવાન પહેલવાનોને હરાવ્યા અને અંતે કંસનો વધ કર્યો. કૃષ્ણએ કંસને મારીને તેમના પિતા ઉગ્રસેનને ફરીથી મથુરાની ગાદી પર બેસાડ્યા. આ ક્રિયા દ્વારા તેમણે અન્યાય પર ન્યાયની જીત સ્થાપિત કરી.
2. વિદ્યાભ્યાસ : સાંદીપનિ ઋષિના આશ્રમમાં રહીને તેમણે માત્ર 64 દિવસમાં વેદો, ઉપનિષદો અને 64 કળાઓનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સમયગાળામાં તેમણે ગુરુદક્ષિણામાં ગુરુના મૃત પુત્રને પાછો લાવી આપ્યો.
3. દ્વારિકાની સ્થાપના : કંસના સસરા જરાસંધના વારંવારના હુમલાઓથી મથુરાના લોકોને બચાવવા માટે કૃષ્ણએ દ્વારિકાનું નિર્માણ કર્યું. સમુદ્ર વચ્ચે બનેલી આ સુંદર અને અજેય નગરી તેમની દૂરંદેશી અને પ્રજાવત્સલતાનું પ્રતીક છે.
4. રુક્મિણી હરણ : વિદર્ભની રાજકુમારી રુક્મિણીએ કૃષ્ણના ગુણો સાંભળીને મનોમન તેમને પતિ તરીકે સ્વીકારી લીધા હતા, પરંતુ તેના ભાઈ રુક્મીએ બીજા રાજા સાથે તેનાં લગ્ન નક્કી કર્યાં. રુક્મિણીએ કૃષ્ણને પત્ર લખીને મદદ માંગી. કૃષ્ણએ તત્કાળ પહોંચીને રુક્મિણીનું હરણ કર્યું અને તેની સાથે વિવાહ કર્યા. આ લીલા પ્રેમ અને શૌર્યનું અનોખું મિશ્રણ છે.