હરિયાણાના રોહતક જિલ્લાના સાંપલા શહેરમાં બસ સ્ટેન્ડ નજીક એક સુટકેસમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસને માહિતી મળી હતી કે સુટકેસમાં કોઈ મૃતદેહ હોઈ શકે છે. આ માહિતીના આધારે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે પોલીસે સુટકેસ ખોલી ત્યારે તેઓ ચોંકી ગયા કારણ કે સુટકેસમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો છે.
યુવતી હિમાની નરવાલે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો
પોલીસને શંકા છે કે યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આ છોકરીની ઓળખ કોંગ્રેસ નેતા હિમાની નરવાલ તરીકે થઈ છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઈ મોકલવામાં આવ્યો છે. હિમાની નરવાલે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા, કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને રોહતકના ધારાસભ્ય બીબી બત્રા સાથે હિમાનીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ધારાસભ્ય બીબી બત્રાએ હિમાની નરવાલની હત્યાની શંકા વ્યક્ત કરી છે અને તેમની હત્યાની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસની માગ કરી હતી. તેમણે કહ્યું કે હિમાની નરવાલ કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા જે પાર્ટીના દરેક કાર્યક્રમમાં ભાગ લેતા હતા.
પોલીસે સમગ્ર મામલે કઈ માહિતી આપી?
રોહતકના સાંપલા બસ સ્ટેન્ડથી દિલ્હી તરફ જતા પુલ પાસે રસ્તા પર એક મોટી વાદળી સૂટકેસ પડી હતી. કોઈએ આ અંગે સમાલ પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ માટે FSL ટીમને બોલાવી હતી. જ્યારે સુટકેસ ખોલવામાં આવી, ત્યારે તેમાં લગભગ 20થી 22 વર્ષની ઉંમરની એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. તેણીના ગળામાં સ્કાર્ફ વીંટાળેલો હતો અને તેના હાથમાં મહેંદી પણ હતી. સાંપલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજેન્દ્ર સિંહે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ મામલો હત્યાનો લાગે છે.