- નીતીશ ભારદ્વાજે MP કેડરના IAS પત્ની સ્મિતા ભારદ્વાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
- ટીવી સિરિયલના શ્રીકૃષ્ણના વાસ્તવિક જીવનમાં ગૃહયુદ્ધ
- પૂર્વ પત્ની સ્મિતા સામે 12-13 વર્ષથી માનસિક ત્રાસનો આરોપ
1988માં આવેલી બી. આર. ચોપરાની ટીવી સિરિયલ ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને ઘેર-ઘેર જાણીતા બનેલા અભિનેતા નીતીશ ભારદ્વાજે તેમની પૂર્વ પત્ની, મધ્યપ્રદેશ કેડરની IAS ઓફિસર સ્મિતા ભારદ્વાજ સામે 12-13 વર્ષથી માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પૂર્વ લોકસભા સાંસદ નીતીશ ભારદ્વાજે એમ પણ કહ્યું છે કે, સ્મિતા મને અમારી ટ્વિન દીકરીઓને પણ નથી મળવા દેતી. હું મુખ્યમંત્રી મોહન યાદવને પણ મળ્યો હતો અને તમામ પુરાવા સાથે તેમને આપવીતી જણાવી ચૂક્યો છું. મને લાગે છે કે સ્મિતા સિનિયર IAS ઓફિસર હોવાથી પોતાના હોદ્દાનો ગેરફાયદો ઉઠાવી પોલીસ પર દબાણ લાવી શકે છે. મુખ્યમંત્રીએ મને કહ્યું છે કે જરૂર પડશે તો તેઓ મારી મદદ કરશે. ભોપાલના પોલીસ કમિશનરે એડિશનલ એસપીને સમગ્ર મામલે તપાસની જવાબદારી સોંપી છે.
નીતીશ અને સ્મિતા બંનેના આ બીજા લગ્ન હતાં
નીતીશ ભારદ્વાજે સ્મિતા સાથે 14 માર્ચ, 2009ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના આ બીજા લગ્ન હતા અને 2019માં નીતીશે છૂટાછેડા માટે અરજી કર્યા બાદ હાલ ફેમિલી કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. નીતીશે આ અગાઉ 1991માં મોનિષા પાટિલ નામની યુવતી સાથે પહેલા લગ્ન કર્યા હતા અને 2005માં છૂટાછેડા લીધા હતા.
મને સ્મિતાનું માનસિક સંતુલન ખરાબ હોવાની શંકા
નીતીશ ભારદ્વાજે કહ્યું કે, મને મારી દીકરીઓની ચિંતા છે, કેમ કે તેમને છેલ્લા 4 વર્ષથી મારાથી દૂર રખાઇ છે. બંને 11 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ સામાન્ય વર્તન નથી. ખોટું બોલીને લોકોની સહાનુભૂતિ મેળવી તેનો ફાયદો ઉઠાવવાની તેની આદત છે. મને લાગે છે કે તેનું માનસિક સંતુલન બરાબર નથી. ફેમિલી કોર્ટ એક્ટની કલમ 12 હેઠળ મેં તેના માનસિક સંતુલનની તપાસની પણ માગ કરી છે.
ભાજપના સાંસદ રહી ચૂક્યા છે નીતીશ ભારદ્વાજ
નીતીશ ભારદ્વાજ 1996માં ભાજપની ટિકિટ પર જમશેદપુરથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં તેમણે ઇન્દરસિંહ નામધારીને હરાવ્યા હતા. જોકે 1999ની ચૂંટણીમાં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના ભાઇ લક્ષ્મણસિંહ સામે તેમનો પરાજય થયો હતો. નીતીશ પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે.


