હાલમાં ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL શરુ છે. તો આ તરફ, પાકિસ્તાન સુપર લીગ એટલે કે PSL પણ શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે. દુનિયાભરમાં ઘણા ખેલાડીઓ છે જે બંને લીગમાં રમતા જોવા મળે છે. પીએસએલ શરૂ થાય તે પહેલા પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ખેલાડીઓ આ લીગમાં સારું પ્રદર્શન કરશે તો ચાહકો IPL છોડીને PSL જોવાનું શરૂ કરશે.
પાકિસ્તાનના બોલર હસન અલીનું નિવેદન
પીએસએલ સામાન્ય રીતે ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે યોજાતું હતું. પરંતુ આ વખતે તે એપ્રિલમાં શરૂ થઈ રહ્યું છે. આ જ કારણ છે કે તેનો સીધો મુકાબલો IPL સાથે છે. IPL એ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. જેને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. જો કે હસન અલી હજુ પણ આશા રાખે છે કે સમયપત્રકની ટક્કર છતાં ચાહકો હજુ પણ PSL જોઈ શકશે. “ચાહકો એવી ટુર્નામેન્ટ જુએ છે. જેમાં મનોરંજનની સાથે સારું ક્રિકેટ પણ હોય છે.” હસને શુક્રવારે પીએસએલની શરૂઆતની મેચ પહેલા જણાવ્યું. જો આપણે પીએસએલમાં સારું રમીશું, તો દર્શકો અમને જોવા માટે આઈપીએલ છોડી દેશે. જ્યારે રાષ્ટ્રીય ટીમ સારું પ્રદર્શન કરતી નથી. ત્યારે તેની અસર પીએસએલ જેવી ફ્રેન્ચાઇઝી લીગ પર પડે છે. પરંતુ જ્યારે પાકિસ્તાન સારું પ્રદર્શન કરે છે. ત્યારે PSLનો ગ્રાફ પણ ઉપર જાય છે.
હસન અલી કરાચી કિંગ્સ તરફથી રમતા જોવા મળશે
યુવા ખેલાડીઓને ટેકો આપતા હસને કહ્યું, “હાલના પરિણામો સારા નથી પરંતુ ટીમ અને મેનેજમેન્ટમાં નવા ચહેરાઓ છે જેમને સમયની જરૂર છે. ખેલાડીઓ જાણે છે કે તેમણે ક્યાં ભૂલો કરી છે અને તેમને ક્યાં સુધારો કરવાની જરૂર છે.” હસન અલી પીએસએલની દસમી આવૃત્તિમાં કરાચી કિંગ્સનું પ્રતિનિધિત્વ કરશે.


