- આપણી આગળ એક આખો અનંતકાળ પડ્યો છે, પણ તમારી પાસે એવો સમય નથી
એક વાર તમે જે સીમાઓમાં જીવી રહ્યા છો તેને જાણીને તેને સમજવાનું શરૂ કરો, પછી આધ્યાત્મિક માર્ગ પર તાત્કાલિક પગલાંની જરૂરિયાત સ્વાભાવિક રીતે ઊભી થશે. ફક્ત જે લોકો તેમની સીમાઓનાં ગુણગાન કરે છે તેમને જ ઉતાવળ નથી હોતી. જો તમે તમારા જીવનનાં ગુણગાન ન ગાઓ, જો તમે તેને એમ જ જુઓ – જેમ તે છે તેમ – તો તમે જોશો કે, `ઠીક છે. આ તો બસ સ્નાયુઓનો બનેલો એક ટુકડો છે.’ તેનું બીજું એક પરિમાણ છે તે અલગ છે, પરંતુ અત્યારે, તમે બસ તેને તે જેમ છે તેમ જ જુઓ. જો તમે બસ આટલું કરો, તો તમે સમજી જશો કે તમે કેવી ભયંકર સીમાઓમાં જીવી રહ્યા છો. જે ક્ષણે તમને આ અનુભવ થઈ જશે, ત્યારે એક ઉતાવળ ઊભી થશે. તમે તેને ટાળી નહીં શકો. નહીંતર ઉતાવળ શું છે? આપણી આગળ એક આખો અનંતકાળ પડ્યો છે, પણ તમારી પાસે એવો સમય નથી. અસ્તિત્વ પાસે સમય છે, પણ તમારી પાસે નથી.
ગૌતમ બુદ્ધ એક રાજકુમાર હતા. તેમની પાસે તે બધું હતું જે દુનિયાની દરેક વ્યક્તિ ઇચ્છે છે. તેમને એક પ્રેમાળ પત્ની અને એક નવજાત બાળક હતું જે તેમને ખૂબ જ વહાલું હતું. ગૌતમ જેવા સંવેદનશીલ માણસ ચોક્કસથી તેમની પત્ની અને બાળક માટે અપાર પ્રેમ ધરાવતા હશે. તેઓ ચોક્કસથી લાગણીહીન નહોતા, પણ જે ક્ષણે તેમને તે જેમાં જીવી રહ્યા હતા તે સીમાઓનો અહેસાસ થયો, પછી એવી ઉતાવળ ઊભી થઈ કે તેમની પાસે તેમની પત્નીને જગાડવાનો અને તેને સમજાવવાનો પણ સમય નહોતો. રાજકુમાર મધ્યરાત્રિએ ચોરની જેમ તેમનો મહેલ છોડીને ચાલ્યા ગયા.
જે ક્ષણે તમને તે સીમાઓ દેખાવાનું શરૂ થઈ જાય જેમાં તમે રહો છો, ત્યારે તે સીમાઓને વટાવી જવાની એ ઈચ્છા એક સ્વાભાવિક ઝંખના છે, કારણ કે તમારી અંદર કંઈક એવું છે જે સીમાઓની અંદર નથી રહી શકતું; અને આ તમારું સૌથી મોટું સદ્ભાગ્ય છે. પોતાના જીવનનો મહિમા કરીને, લોકો આ સદ્ભાગ્યને શાંત કરી રહ્યા છે. લોકો તેમના હોર્મોન્સથી ચાલતા હોય, તેમની કેમિસ્ટ્રીથી કે બીજા ગમે તેનાથી, પણ તેમણે ઘણીબધી રીતે તેનાં ગુણગાન ગાવાં પડે છે, નહીં તો એ બધું ખરાબ છે એવું લાગશે. તે ન તો ખરાબ છે કે ન તો સુંદર. તે બસ જીવન છે; તે ખુલ્લું છે. જો તમે જોવા માટે તૈયાર હોવ, તો ખાલીપણામાં સુંદરતા છે. લોકોએ તેમના જીવનમાં એટલી બધી ફ્રીલ્સ ઉમેરી છે કે હવે, તેઓ નથી જાણતા કે તેમણે ખરેખર કપડાં પહેર્યાં છે કે નહીં. એટલે જ તેઓ હંમેશાં ભયભીત અને અતિશય આત્મસભાન રહે છે. જો તમે બધી ફ્રીલ્સ કાપી નાખો, તો કાં તો તમારાં મૂળ વસ્ત્રો કે પછી તમારી હકીકત તમને સ્પષ્ટ થઈ જશે. એક વાર તે સ્પષ્ટ થઈ જાય, પછી તમે ઉતાવળની ઊંડી ભાવનાનો અનુભવ કરશો.