મુખ્તાર અંસારીના પુત્ર અને મઉના પૂર્વ ધારાસભ્ય અબ્બાસ અંસારીને મઉ સેશન કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ન્યાયાધીશ રાજીવ કુમાર વત્સની ફાસ્ટ ટ્રેક કોર્ટ નંબર 1એ હેટ સ્પીચ મામલે તેમની 2 વર્ષની સજાને યથાવત રાખીને અપીલ રદ કરી દીધી છે. જો કે કોર્ટે અબ્બાસ અંસારીના વચગાળાના જામીનનો સમય વધારી દીધો છે.
અબ્બાસ અંસારીએ ત્રણ અરજીઓ દાખલ કરી હતી
31 મેએ મઉની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે અબ્બાસ અંસારીને 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હેટ સ્પીચ ભાષણ આપવાના કેસમાં ગુનેગાર ઠેરવ્યો હતો. સાથે જ તેમને 2 વર્ષની સજા અને 11,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ સજા બાદ 1 જૂને તેમની મઉ વિધાનસભા સીટ પરથી સદસ્યતા રદ કરવામાં આવી હતી. તેની વિરૂદ્ધ અબ્બસના વકીલે સેશન કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અબ્બાસ અંસારીએ ત્રણ અરજીઓ દાખલ કરી હતી, પ્રથમ તેમના વચગાળાના જામીનને કાયમી જામીનમાં બદલવાની માગ, બીજી અરજીમાં 2 વર્ષની સજા પર રોક લગાવવાની અપીલ, ત્રીજી અરજીમાં દોષિત ઠેરવવાની અરજી રદ કરવાની માગ. કોર્ટે તેના આધારે વચગાળાના જામીનને કાયમી જામીનમાં બદલી દીધા પણ અન્ય બે અરજી રદ કરી દીધી છે.
હેટ સ્પીચનો કેસ 3 માર્ચ 2022એ થયો હતો
જો સમગ્ર કેસની વાત કરવામાં આવે તો આ કેસ 3 માર્ચ 2022નો છે, જ્યારે મઉના પહાડપુરા મેદાનમાં એક ચૂંટણી સભા દરમિયાન અબ્બાસ અંસારીએ કથિત રીતે અધિકારીઓને ધમકી આપી હતી, તેમને કહ્યું હતું કે સરકાર બનવા પર અધિકારીઓનો હિસાબ કરવામાં આવશે અને તેમની ટ્રાન્સફર-પોસ્ટિંગ પર રોક લગાવવામાં આવશે. આ નિવેદનને હેટ સ્પીચ માનતા મઉ કોતવાલીમાં સબ-ઈન્સ્પેક્ટરની ફરિયાદ પર અબ્બાસ અને તેના ભાઈ ઉમર અંસારી અને તેમના ચૂંટણી એજન્ટ મંસૂર અંસારી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 506, 171F, 186, 189, 153A, અને 120B હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.