શારીરિક પીડા સ્નાયુનો પ્રતિભાવ છે, પરંતુ જ્યારે હું મને સંતોષ આપે તેવી બાબતને વળગી રહું છું ત્યારે માનસિક પીડા ઉદ્ભવે છે. ત્યારે હું તે બાબત મારી પાસેથી લઈ લે તેવી કોઈ વ્યક્તિ કે વસ્તુથી ડરતો હોઉં છું. મેં એકઠા કરેલા માનસિક જ્ઞાનને જ્યાં સુધી કોઈ વાંધો ન આવે ત્યાં સુધી તે માનસિક પીડાને અટકાવી રાખે છે. એટલે કે હું મેં એકત્રિત કરેલા માનસિક જ્ઞાનનું અને અનુભવોનું એવું પોટલું છું કે જે ગંભીર સ્વરૂપની કોઈ પણ દખલને અટકાવે છે અને હું કોઈ પણ જાતની દખલ નથી ઈચ્છતો.
તેથી મારી માનસિક સ્થિતિને કે અનુભવને દખલ કરે તેવી કોઈ પણ વ્યક્તિથી હું ડરું છું. મારો ભય મારી જાણકારી વિશેનો (જ્ઞાતનો) છે. પીડા ન થાય તે માટે અથવા દુ:ખને અટકાવવા માટે મેં મન કે શરીર વિશે ખાસ જ્ઞાન એકઠું કર્યું છે. મને ડર મારા એ સંચયનો છે, ખાસ માન્યતાનો છે, પરંતુ દુ:ખ તો એ માનસિક પીડાને દૂર કરવા માટે જ્ઞાન એકત્રિત કરવાની પ્રક્રિયામાં જ છે. જ્ઞાન પણ પીડાને અટકાવવામાં મદદ કરે છે. જેમ દવાનું જ્ઞાન શારીરિક પીડા અટકાવવા માટે મદદ કરે છે તેમ માન્યતાઓ પણ માનસિક પીડાને અટકાવવા માટે મદદ કરે છે, તેથી મને મારી માન્યતાઓ છોડતાં ડર લાગે છે. ભલે મને મારી આવી માન્યતાઓની વાસ્તવિકતાનું સંપૂર્ણ જ્ઞાન ન હોય કે નક્કર સાબિતી ન હોય. હું કદાચ કેટલીક પારંપરિક માન્યતાઓનો અસ્વીકાર કરું કે જે મારાં ધ્યાન બહાર મારા મનમાં ઠસાવી દેવામાં આવી હોય, કારણ કે મારો અનુભવ મને શક્તિ, આત્મવિશ્વાસ અને સમજ આપે છે, પરંતુ આવી માન્યતાઓ અને પ્રાપ્ત કરેલું જ્ઞાન મૂળભૂતપણે એકસરખાં જ હોય છે. પીડા દૂર કરવાનું સાધન માત્ર.
સર્વગ્રાહી સમજણ
આપણે `શોક’ શબ્દનો અર્થ શો કરીએ છીએ? શું તે તમારાથી કંઈક એવું અલગ છે? શું તે જેનું તમે નિરીક્ષણ કરો છો, આંતરિકપણે અથવા બાહ્યપણે જે અનુભવો છો, તેવું તમારી બહારનું કંઈક છે? શું તમે કેવળ અનુભવતા હો તેવા નિરીક્ષક છો? કે પછી તે કંઈક જુદું જ છે? ચોક્કસપણે આ એક મહત્ત્વનો મુદો છે, શું નથી? જ્યારે હું એમ કહું કે `હું દુ:ખી છું’ તો તે દ્વારા હું શું કહેવા માગું છું? શું હું દુ:ખથી અલગ છું? ચોક્કસપણે તે જ પ્રશ્ન છે, શું તે પ્રશ્ન નથી? ચાલો, આપણે શોધી કાઢીએ. દુ:ખ છે: મને પ્રેમ નથી મળતો, મારો પુત્ર મૃત્યુ પામે છે, તમે શું કહેશો તે. મારા મનનો એક અંશ કહે છે આમ શા માટે, તે ખુલાસો માગે છે, કારણો માગે છે અને એવું કેવી રીતે થયું તે પૂછે છે. મારો બીજો અંશ આ દુ:ખથી મુક્ત થવા માંગે છે અને તેની પાર જવા માંગે છે. આ બધી બાબતો આપણે જ છીએ, શું આપણે તે નથી? આમ, મારો એક અંશ દુ:ખને નકારે છે, તેનો પ્રતિકાર કરે છે અને મારો બીજો અંશ તે વિશે ખુલાસો માગે છે, જે સિદ્ધાંતોમાં ફસાઈ ગયો છે. વળી, મારો એક અંશ આ હકીકતથી ભાગી છૂટવા મથી રહ્યો છે, તો પછી હું તેને સમગ્રપણે કેવી રીતે સમજી શકું? જ્યારે હું તેને સંપૂર્ણ સર્વગ્રાહી રીતે સમજણ સાથે જોવા સમર્થ બનું કે દુ:ખથી મુક્ત થવાની સંભાવના છે ત્યારે જ હું તેને સાચી રીતે સમજી શકું, પરંતુ હું તો જુદી દિશામાં ફંટાઈ જાઉં છું, ત્યારે હું તેનું સત્ય જોતો નથી.