- સીબીઆઈ સપોર્ટિવ મટિરિયલ્સને પ્રદર્શિત કરવામાં અસમર્થ રહી
- સીબીઆઈએ ધરપકડ કરવામાં દિમાગનો ઉપયોગ કર્યો ન હોવાની કોર્ટે કડક ટિપ્પણી કરી
- કોર્ટે સીબીઆઈની દલીલ ફગાવી દીધી
બોમ્બે હાઇકોર્ટે લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડને ગેરકાયદે જાહેર કર્યા બાદ સોમવારે આ કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈએ ચંદા અને દીપક કોચરની ધરપકડ દિમાગનો ઉપયોગ કર્યા વગર અને કાયદાનું ઉચિત સમ્માન કર્યા વગર કરી હતી. કોર્ટે એમ પણ જણાવ્યું કે આ ધરપકડ સત્તાનો દુરુપયોગ છે. જસ્ટિસ અનુજા પ્રભુ દેસાઈ અને એન આર બોરકરની બનેલી ડિવિઝનલ બેન્ચે છ ફેબ્રુઆરીએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદા કોચરની ધરપકડને ગેરકાયદે જાહેર કરી હતી. આ ઉપરાંત જાન્યુઆરી 2023માં એક બીજી બેન્ચે તેમને જામીન આપવાના વચગાળાના આદેશની પુષ્ટિ કરી હતી. હવે કોર્ટે જણાવ્યું છે કે સીબીઆઈ એ પરિસ્થિતિઓના સપોર્ટિવ મટિરિયલ્સને પ્રદર્શિત કરવામાં અસમર્થ રહી છે, કે જેના આધાર પર ધરપકડ કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિઓ ધરપકડને ગેરકાયદે બનાવી દે છે.
કોર્ટે સીબીઆઈની દલીલ ફગાવી દીધી
કોર્ટે તપાસ એજન્સીની એ દલીલને પણ માનવાનો ઇનકાર કર્યો હતો કે આ ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કે કોચર તપાસમાં સહયોગ આપતી ન હતી. તેના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે આરોપીઓને પૂછપરછ દરમિયાન ચૂપ રહેવાનો અધિકાર છે. નોંધનીય છે કે સીબીઆઈએ વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેન્ક લોન કેસમાં 23 ડિસેમ્બર 2022ના રોજ ચંદા કોચર અને દીપકની ધરપકડ કરી હતી. જો કે કોર્ટે નવ જાન્યુઆરી, 2023ના રોજ એક વચગાળાના આદેશમાં ચંદા કોચરને જામીન આપી દીધા હતાં.


