HCG હોસ્પિટલના તબીબ પર બેદરકારીના ગંભીર આક્ષેપ : 58 દિવસની સારવાર બાદ યુવાનનું મોત
જુવાનજોધ પુત્ર ગુમાવનાર પિતાનો આક્રોશઃ ડો.લાલસેતા ડોક્ટર નહીં કસાઈ છે, હોસ્પિટલ સીલ કરી લાઈસન્સ રદ કરવાની માંગ
અગ્ર ગુજરાત, રાજકોટ
માનવતા અને સેવા સાથે જોડાયેલા તબીબી વ્યવસાય પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટની જાણીતી ખાનગી HCG હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવાનના મોત બાદ તેના પરિવારે ડોક્ટરો અને હોસ્પિટલ તંત્ર સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. 58 દિવસ સુધી ચાલેલી સારવાર બાદ પુત્ર ગુમાવનાર પિતાનો દર્દ અને આક્રોશ જાહેરમાં ફાટી નીકળ્યો છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલ તંત્રએ પૈસાની લાલચમાં તેમના દીકરાની જિંદગી સાથે ખેલ કર્યો છે.
મૃતક યુવાન હિરેન મોકરિયો, પોરબંદર જિલ્લાના રાણાવાવના સીમ વિસ્તારના રહેવાસી વશરામભાઈ મોકરિયાનો દીકરો હતો. હિરેન યસ બેંક , પોરબંદર શાખામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગત તા. 11-11ના રોજ હિરેન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે સિગ્મા સ્કૂલની બસે તેને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પ્રાથમિક સારવાર પોરબંદરમાં અપાયા બાદ વધુ સારવાર માટે હિરેનને રાજકોટની HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પરિવારને આશા હતી કે શહેરની મોટી અને સુવિધાસભર હોસ્પિટલમાં યોગ્ય સારવારથી તેમનો દીકરો સાજો થઈ જશે. પરંતુ પિતાના જણાવ્યા મુજબ, હિરેનના હોસ્પિટલમાં દાખલ થતા જ મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. વશરામભાઈએ જણાવ્યું કે, “અમે દીકરાને 55 કિલોના વજન સાથે હોસ્પિટલમાં લાવ્યા હતા અને આજે પોસ્ટમોર્ટમ બાદ 25 કિલોના શરીર સાથે ઘરે લઈ જઈ રહ્યા છીએ. આ 58 દિવસમાં અમને અંધારામાં રાખવામાં આવ્યા.”
પિતાના આક્ષેપ મુજબ, સારવાર દરમિયાન હિરેનના ચાર જેટલા અલગ-અલગ ઓપરેશન કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ICUમાં રાખ્યા બાદ તેને જ્યારે જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો, ત્યારે એક ઈન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત અચાનક બગડી ગઈ હતી અને ફરી ICUમાં દાખલ કરવો પડ્યો હતો. આ ઘટનાને પરિવાર શંકાસ્પદ ગણાવી રહ્યો છે.
પરિવારનો સૌથી ગંભીર આરોપ એ છે કે હિરેન પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ (વીમો) હોવાને કારણે હોસ્પિટલ તંત્રએ તેને જાણબૂઝીને લાંબો સમય દાખલ રાખ્યો. વશરામભાઈનો આક્ષેપ છે કે, હોસ્પિટલ માત્ર રૂપિયા પડાવવામાં જ રસ ધરાવતી હતી અને દર્દીની વાસ્તવિક સ્થિતિ અંગે સાચી માહિતી પરિવારથી છુપાવવામાં આવી હતી.
રોષ વ્યક્ત કરતા પિતાએ આરોપી ડોક્ટર તરીકે ડો. લાલસેતા સામે ગંભીર શબ્દોમાં આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, “આ ડોક્ટર નથી, કસાઈ છે. મારા 24 વર્ષના જુવાન દીકરાને મારી નાખ્યો છે.” પિતાએ માંગ કરી છે કે આ હોસ્પિટલને સીલ કરવામાં આવે અને જવાબદાર ડોક્ટરોનું લાઈસન્સ રદ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ બીજા પિતાએ પોતાનો દીકરો ન ગુમાવવો પડે.
આ મામલે પરિવારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણો સ્પષ્ટ થશે તેમ પોલીસે જણાવ્યું છે.
હાલ આ સમગ્ર ઘટનાએ રાજકોટમાં તબીબી વ્યવસ્થાની જવાબદારી, ખાનગી હોસ્પિટલોની કામગીરી અને દર્દી સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.


