- સંસદીય સમિતિએ જીએસટી ઘટાડવા ભલામણ કરી
- દેશમાં ઈન્સ્યોરન્સની પ્રીમિયમની રકમમાં ઘટાડો થવાની અપેક્ષા છે
- ગ્લોબલ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત બે ટકા
દેશમાં ઈન્સ્યોરન્સની પ્રીમિયમની રકમમાં ઘટાડો થવાની અપેક્ષા છે. ભૂતપૂર્વ રાજ્યકક્ષાના નાણાપ્રધાન જયંત સિન્હાની આગેવાની હેઠળની સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ખાસ કરીને હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ પરના ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ને તર્કસંગત બનાવવાની જરૂર છે. તેમણે જીએસટીના ઊંચા દરને ઘટાડવાની ભલામણ કરી છે. હાલમાં આ દર 18 ટકા છે. આ સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે સરકાર તરફથી ભારતીય રિઝર્વ બેન્ક ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઓન ટેપ બોન્ડ ઈશ્યૂ કરી શકે છે. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત 40-50 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. કમિટીએ પોતાની ભલામણોમાં જણાવ્યું છે કે જીએસટીનો દર ઊંચો હોવાના કારણે પ્રીમિયમનો બોજ વધી જાય છે. જે ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં અવરોધ તરીકે કામ કરે છે. વીમાને વધારે પોસાય તેવો બનાવવા માટે કમિટીએ ભલામણ કરી છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ, ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટેની રિટેલ પોલિસીઓ અને માઇક્રો ઇન્સ્યોરન્સ પોલિસીઓ તથા ટર્મ ઇન્સ્યોરન્સ પર જીએસટીનો નીચો દર લાગુ કરવો જોઇએ.
ગ્લોબલ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત બે ટકા
ભારતીય ઇન્સ્યોરન્સ સેક્ટરે વિકસિત રાષ્ટ્રોના ઇન્સ્યોરન્સ સેક્ટરની બરાબરી પર આવવા માટે હજુ ઘણો લાંબો માર્ગ પાર કરવાનો છે. 2020 સુધીમાં ગ્લોબલ ઇન્સ્યોરન્સ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત બે ટકા હતો.


