નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી, ઇ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવા લોકો નારિયેળ પાણીનું સેવન કરે છે. નાળિયેર પાણી શરીર માટે ગુણકારી છે પરંતુ કેટલાક રોગોમાં નાળિયેર પાણીનું સેવન વધુ ગંભીર સમસ્યા સર્જી શકે છે.
જાણો કયા લોકોએ નાળિયેર પાણી પીવામાં સાવધાની રાખવી જોઈએ
કિડનીની બીમારી : નાળિયેર પાણીમાં પોટેશિયમ વધારે હોય છે. કિડનીના રોગોમાં શરીર યોગ્ય રીતે પોટેશિયમ બહાર કાઢી શકતું નથી. જેના કારણે હાઇપરકેલેમિયા એટલે કે પોટેશિયમ વધી જવું થવાની સંભાવના વધે છે. જે હૃદય પર ખરાબ અસર કરી શકે છે તેમજ કેટલાક કિસ્સામાં કિડની ફેલ્યોર થવાનું જોખમ રહે છે. આ સમસ્યા ધરાવતા લોકોએ નારિયેળ પાણીનું સેવન ના કરવું.
ડાયાબિટીસ બીમારી : નાળિયેર પાણીમાં કુદરતી રીતે સુગર રહેલું છે. જો નિયમિત આ પાણી પીવામાં આવે તો બ્લડ સુગર લેવલ પર અસર થઈ શકે છે. ખાસ કરીને શાકાહારી લોકોના ભોજનમાં સુગર હોય છે. અને નાળિયેર પાણીના સેવનથી બ્લડ સુગર વધતા ડાયાબિટીસના દર્દી માટે જોખમી બને છે. એટલે ડાયાબિટીસના દર્દીઓએ એકદમ મર્યાદિત પ્રમાણમાં તેનું સેવન કરવું.
લો બ્લડ પ્રેશર : નાળિયેર પાણી પીવાથી શરીર હાઈડ્રેટ થાય છે. કેટલાક કિસ્સામાં જો કોઈને પહેલેથી જ બ્લડ પ્રેશર ઓછું હોય, તો નાળિયેર પાણી પીવાથી વધારે ઘટી શકે છે. આમ, જે લોકોને પહેલેથી જ લો બ્લડ પ્રેશર રહેતું હોય તેમણે નિયમિત નાળિયેર પાણી પીવાનું ટાળવું.
નાળિયેર પાણીના ફાયદા
નાળિયેર પાણી શરીર માટે ડિટોક્સ વોટર પણ કહેવાય છે. નારિયેળ પાણી ઓક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપે છે, પાચનતંત્રને સ્વસ્થ રાખે છે તેમજ ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે. નાળિયેર પાણીના ફાયદા પણ છે અને હાનિકારક પણ છે. દરેકના શરીરની જરૂરિયાતો અલગ હોય છે. તેથી નાળિયેર પાણીનું સેવન પોતાના શરીરની જરૂરિયાત મુજબ અથવા ડોક્ટરની સલાહ મુજબ કરવું.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )