ચોમાસામાં વરસાદ આવતા જ ઘણા લોકોને તેમાં ભીંજાવું ગમતું હોય છે. યુવાનો અને ખાસ કરીને બાળકો ધોધમાર વરસાદની મજા માણવા રસ્તાઓ પર નીકળી પડતા હોય છે. અને શરદી-ઉધરસના શિકાર થતા આ મજા કયારેક સજા બની જાય છે. વરસાદી સિઝનમાં ભેજવાળું વાતાવરણ અને કયારેક ગરમી એમ બે ઋતુ જોવા મળે છે. બેવડી ઋતુના કારણે શરદી જેવી સામાન્ય સમસ્યાથી લઈને મેલેરિયા સહિતની ગંભીર બીમારી પણ થઈ શકે છે. એટલે આ સિઝનમાં બીમારીઓથી દૂર રહેવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો જોઈએ.
ઉકાળાનું સેવન બીમારીઓ રાખશે દૂર
વરસાદી સિઝનમાં આપણે આરોગ્ય તંદુરસ્ત રાખવું હોય તો મેડિકલ સ્ટોર તરફ દોટ મૂકવાની જરૂર નથી. એટલે કે મોંધી દવાઓ લઈ સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું જરૂરી નથી. આપણા ઘરના રસોડામાં જ ઇમ્યુનિટી બુસ્ટ કરવાના અકસીર મસાલા રહેલા છે. આ મસાલાનો ઉકાળો બનાવી સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં જબરજસ્ત વધારો થશે. આદું, તુલસી અને મરીનો ઉકાળો તેમજ ગિલોયના ઉકાળાનું આ સિઝનમાં સપ્તાહમાં બે કે ત્રણ વખત પણ સેવન કરશો તો વાયરસ બીમારીઓથી રક્ષણ મળશે.
આદુ, તુલસી અને મરીનો ઉકાળો: તમે 1 નાનો આદુનો ટુકડો, 4 થી 5 કાળા મરી, 5-6 તુલસીના પાન, 2 કપ પાણી અને કાચી હળદરનો એક નાનો ટુકડાની સામગ્રીમાં જરૂર પડશે. જો આ ઉકાળોનો સ્વાદ વધારવા માગતા હોવ તો 1 ચમચી મધ અથવા થોડો ગોળ પણ લઈ શકો છો.
આ રીતે બનાવા આદુનો ઉકાળો : આ ઉકાળો બનાવવા પહેલા એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પછી તેમાં નાના ટુકડકા કરેલા આદુ નાખો. ત્યારબાદ તુલસીના પાનને હાથેથી ક્રશ કરી પાણીમાં નાખો. પછી તેમાં હળદરના નાના ટુકડાને છીણી દો અથવા તો ચપટી મસાલાની હળદર ઉમેરો. પછી તેમાં કાળા મરીનો ભૂકો નાખો અને ગોળ નાખ્યા બાદ આ મિશ્રણવાળા પાણીને ધીમા તાપે 10 મિનિટ સુધી ઉકાળો. પાણી લગભગ અડધું થઈ જાય ત્યારે તેને ગાળી લો. અને જ્યારે સાધારણ હૂંફાળું થાય એટલે કે પીવા લાયક થા ત્યારે તેમાં મધ ઉમેરો અને પીવો. આ ઉકાળો તમને ફલૂ જેવી બીમારીથી રક્ષણ આપશે તેમજ ગળામાં દુખાવો, શરદી અને ઉધરસમાં પણ રાહત આપશે.
ગિલોયના ઉકાળા માટેની સામગ્રી : આ ઉકાળો બનાવવા માટે ઓછામાં ઓછા 3 થી 4 ઇંચ ગિલોયના બે થી ત્રણ ટુકડા લો. આ ઉપરાંત, અડધી ચમચી તજ પાવડર અથવા એક નાનો ટુકડા સાથે 3 કે 4 તુલસીના પાન લેવા. આ ઉકાળો બનાવવા તમારે 2 કપ પાણી અને લીંબુના રસની પણ જરૂર પડશે.
આ રીતે બનાવો ઉકાળો : એક વાસણમાં પાણી લો અને ગિલોયનો ભૂકો કરો અને તેમાં ઉમેરો, તજ અને તુલસી ઉમેરો અને તેને ધીમા તાપે 10-15 મિનિટ સુધી પાકવા દો. આ પછી, ઉકાળાને ગાળી લો. જ્યારે તે થોડું ઠંડુ થાય, ત્યારે તેમાં લીંબુના થોડા ટીપાં ઉમેરો. આ ઉકાળો પીવા માટે આકર્ષક છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે. આ ઉકાળો પીવાથી તાવમાં પણ રાહત મળે છે.