લીંબુ વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. પોષકતત્વોનો ખજાનો ગણાતા એવા લીંબુનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીંબુ પાણી પીવાથી વધતા વજન પર નિયંત્રણ રહે છે તેમજ પેટ સંબંધિત તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. લીંબુની અંદર વિટામીન સી રહેલુ છે જે એન્ટિઓક્સિડન્ટનું કામ કરે જેથી કોલેસ્ટ્રોલ ઘટે છે. જેના કારણે હાર્ટએટેકનું જોખમ દૂર રહે છે. આરોગ્ય નિષ્ણાત કહે છે કે સ્વાસ્થ્ય માટે ગુણકારી છતાં લીબુંનું વધુ પડતુ સેવન શરીરને નુકસાન કરી શકે છે.
પોષકતત્વોથી ભરપૂર લીંબુ
લીંબુની અંદર સાઈટ્રિક એસિડ, વિટામિન સી તથા ફાઇબર હોય છે. લીંબુની અંદર સાઈટ્રિક એસિડ હોય જેના કારણે તેનો સ્વાદ ખાટો હોય છે. અને એટલે જ્યારે ભોજનમાં તેનો ઉપરથી ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આમાશયમાં એસિડિટી, એસિડ રિફલક્સ (જડવો), અને બળતરા જેવી તકલીફો થવા લાગે છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા લીંબુનું વધુ પડતું સેવન અનેક સ્વાસ્થ્ય સમસ્યાને આમંત્રણ આપે છે.
વધુ લીંબુ પીવાના આ છે ગેરફાયદા
દાંતને નુકસાન: લીંબુ સ્વાદમાં ખાટું હોવાથી તેનો રસ દાંતના ઇનામેલ (enamel)ને ઘસી નાખે છે. જેનાથી દાંત નબળા પડે છે અને સેન્સિટિવિટી વધી શકે છે. જયારે નબળા દાંતમાં લીંબુનો રસ જાય છે ત્યારે ઉપરનું પડ ઘસવાના કારણે પોલાણ કરે છે. જે લોકોના દાંતમાં કેપ હોય અથવા તો બ્રેસની ટ્રિટમેન્ટ કરી હોય તેમણે વધુ પડતું લીંબુનું સેવન ટાળવું.
આલ્સરવાળા માટે ખતરનાક: પેટ સંબંધિત સમસ્યામાં લીંબુનું સેવન લાભકારક છે. છતાં જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા હોય અથવા આંતરડા નબળા હોય તેવા લોકો લીંબુનું સેવન કરે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. લીંબુની ખટાશ અલ્સરની સમસ્યા વધારે છે. એટલે આવા લોકોએ લીંબુનું સેવન ના કરવું જોઈએ.
ત્વચા માટે નુકસાનકારક : કેટલાક લોકો ત્વચા ચમકાવવા લીંબુ ચહેરા પર ઘસે છે. તો કયારેક તેનો ફેસપેક પણ લગાવે છે. પરંતુ સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો સીધું લીંબુ ચહેરા પર લગાવે અને પછી તડકામાં જાય તો તેમને ચામડી લાલ થવી, બળતરા થવી તેમજ ફોલ્લીની સમસ્યા પણ થઈ શકે છે. આવા લોકોને લીંબુથી એલર્જી હોવાના કારણે ત્વચા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.