ફક્ત પુખ્ત વયના લોકો જ નહીં બાળકો પણ એપેન્ડિક્સ બીમારીના શિકાર થઈ શકે છે. આજે બાળકોમાં હાર્ટએટેકથી લઈને કેન્સર જેવી બીમારી જોવા મળે છે. એટલે જ્યારે બાળક કોઈ સમસ્યાને લઈને વારંવાર ફરિયાદ કરે તો સાવધ થઈ જાઓ. તેમનામાં દેખાતા આ સામાન્ય લક્ષણ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.
નાના બાળકો પણ એપેન્ડિસાઈટિસના શિકાર
આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે આજકાલ નાના બાળકોમાં પણ એપેન્ડિસાઈટિસ (એપેન્ડિસાઈટિસ)નો રોગ જોવા મળે છે. સામાન્ય રીતે પુખ્ત વયના લોકોમાં અને 5 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં આ બીમારી જોવા મળે છે. પરંતુ હવે તો 1 થી 3 વર્ષના બાળકો પણ એપેન્ડિસાઈટિસના શિકાર થઈ રહ્યા છે. પુખ્ત ઉમંરના લોકોમાં બિમારીનું નિદાન થતા સારવાર લઈ સ્વસ્થતા મેળવી શકાય છે. જ્યારે બાળકોમાં ગંભીર બીમારીના લક્ષણો ઓળખવામાં સમય લાગે છે. બાળકોની પેટમાં દુખાવાની ફરિયાદને ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે એપેન્ડિસાઈટિસ બીમારીનું આ પ્રાથમિક લક્ષણ છે. બાળકોમાં સમયસર આ બીમારીના લક્ષણ ઓળખવામાં ના આવે તો જીવલેણ બની શકે છે.
એપેન્ડિસાઈટિસ બીમારીના લક્ષણ
એપેન્ડિક્સ એક નાનું થેલી જેવું અંગ છે. શરીરની અંદરનું આ અંગ આપણા મોટા આંતરડા સાથે જોડાયેલું છે. અને આંતરડામાં કોઈ સમસ્યા થવાના કારણે મળ જમા થવા, ચેપ જેવા કોઈ કારણોસર ફૂલી જાય છે. ત્યારે આ સ્થિતિને એપેન્ડિસાઈટિસ કહેવામાં આવે છે. આ સમસ્યામાં વ્યક્તિને પેટમાં તીવ્ર દુખાવો થવો, ઝીણો તાવ આવવા, ઉબકા અને ઉલટી થવી તેમજ ખાવાની ઇચ્છા ના થવા જેવા લક્ષણો જોવા મળતા હોય છે.
જોખમી બની શકે છે
આરોગ્ય નિષ્ણાત કહે છે કે બાળકોમાં આ લક્ષણો ઓળખવા મુશ્કેલ છે. પરંતુ માતાપિતા પણ બાળકોની દિનચર્યા પર ધ્યાન આપે તો ખ્યાલ આવી શકે છે. કેટલાક સંજોગોમાં બાળક ચીડિયું થઈ જાય અને સતત ભોજન ખાવાનો ઇનકાર કરતું રહે છે. આવી સ્થિતિને નજર અંદાજ ના કરી તુરંત બાળકની તબીબી તપાસ કરાવી જોઈએ. કારણ કે 5 વર્ષથી નાના બાળકોમાં, લક્ષણો શરૂ થયાના 24 કલાકની અંદર એપેન્ડિક્સ ફાટી શકે છે, જે સ્થિતિને ગંભીર બનાવી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )