ભારતીયો ખાવાના શોખીન હોય છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ દરેકના ઘર સુધી પહોંચ્યો છે. સ્વાદના શોખીન ભારતીયોમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. આ બાબતને લઈને એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ICMR-NIE (નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એપિડેમિયોલોજી)એક્સપર્ટનું કહેવું છે કે આમ થવા પાછળનું કારણ ભોજનમાં વધુ મીઠું લેવાની આદત છે.
કાચા મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક
છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં ગંભીર બીમારીઓના દર્દીઓના આંકડા સામે આવ્યા છે. આ આંકડા વધુ ચોંકાવનારા છે. કારણ કે પાછલા સાતથી આઠ વર્ષમાં કેન્સર, હાર્ટએટેક, અસ્થમા, ડાયાબિટીસ અને હાઈબ્લડ પ્રેશર બીમારીના દર્દીઓ વધ્યા છે. આ આંકડા વધવા પાછળ ખાનપાન અને જીવનશૈલી જવાબદાર માનવામાં આવે છે. વિશેષ કરીને ભારતીય લોકો ભોજનનો સ્વાદ વધારવા ગરમ મસાલા ઉપરાંત ઓરેગનો જેવા મસાલા અને ઉપરથી મીઠું લેતા હોય છે. મીઠા વગરનું ભોજન ખરેખર બેસ્વાદ હોય છે પરંતુ જો જરૂર કરતાં વધુ મીઠું અને ઉપરથી મીઠું લેવામાં આવે તો તે સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન કરે છે. આ કાચું મીઠું હોવાના કારણે ભોજન લીધા બાદ શરીરમાં ખોરાક પચવામાં વધુ ભારરૂપ લાગે છે.
સ્વાસ્થ્ય પર ખરાબ અસર
બજારમાં મળતા ચિપ્સ સહિતના પેકેટના ખાદ્યપદાર્થો ટેસ્ટી લાગે માટે તેમાં વધુ પડતું મીઠું નાખવામાં આવે છે. ICMR-NIE (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી) ના નિષ્ણાત મુજબ ભારતીયોની જીવનશૈલી બદલાઈ છે. લોકોમાં જંકફૂડ અને કેક જેવી ડેરી પ્રોડ્કટ પેકેટ ફૂડનું સેવન વધ્યું છે. બજારમાં વેચાણ થતા ખાદ્યપદાર્થોમાં ઉપયોગમાં લેવાતું મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે તે આ ખાદ્યપદાર્થને લાંબો સમય ટકાવી રખાવા તેમાં કેમિકલનું મિશ્રણ કરાય છે. અને એટલે આવા ખોરાક ખાવાની આદત પર સમયસર નિયંત્રણ લાવવામાં નહી આવે તો આગામી સમયમાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
લો-સોડિયમ મીઠાના ઉપયોગનું સૂચન
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, સારા સ્વાસ્થ્યને જાળવવા માટે વ્યક્તિએ દરરોજ 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. જ્યારે ભારતના લોકો લોકો જરૂરિયાત કરતાં વધુ મીઠું ખાઈ રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકો દરરોજ લગભગ 9.2 ગ્રામ જેટલું મીઠું ખાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (NIE) દ્વારા લોકોના આહારમાં મીઠાનું પ્રમાણ ઘટાડવાના પ્રયાસોને વધુ મજબૂત કરવા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકેટ અંતર્ગત લોકોને લો-સોડિયમ મીઠાનો ઉપયોગ કરવાની માહિતી આપવામાં આવશે. જેથી કરીને ભારતીયો વધુ મીઠાના સેવન કરવાનું ટાળે અને સ્વસ્થ ખાવાની આદતોને પ્રોત્સાહન આપે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતા પહેલા નિષ્ણાંતની મદદ લેવી જરૂરી છે.