બોલીવુડ એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની નાની વયે નિધન થયું. અભિનેત્રી હિના ખાન બ્રેસ્ટ કેન્સર અને દિપીકા કક્કર લીવર કેન્સરની બીમારીનું નિદાન થતા હાલમાં આ બીમારીને લઈને તેની સારવાર કરી રહ્યા છે. દરમિયાન ફરી ચર્ચાઓ ઉઠવા લાગી કે કેમ લોકો નાની વયે ગંભીર બિમારીના શિકાર થવા લાગ્યા છે. લોકોમાં ગંભીર બીમારીનું જોખમ વધવાને લઈને FSSAI ચેતવણી આપી છે. FSSAI મુજબ છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં ખાનપાનની આદતો બદલાઈ છે. બદલાયેલ જીવનશૈલી અને ખોરાકના કારણે લોકોમાં બીમારીનું જોખમ વધ્યું છે.
લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધવાનું કારણ
FSSAI યુવાનવયે લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધવાનું કારણ આપતા જણાવ્યું કે લોકોમાં જંકફૂડ અને બહારના નાસ્તા ખાવાનું ચલણ વધ્યું છે. સારા સ્વાસ્થ્ય જાળવવા માટે તેલ, ખાંડ અને મીઠું ઓછું પ્રમાણમાં હોય તેવો ખોરાક લેવો જોઈએ. આ વસ્તુઓનું સેવન ઓછું કરીને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીનું જોખમ ઘટાડી શકો છો.
બેકરી ઉત્પાદનોનું વધુ પડતું સેવન હાનિકારક
ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં કેક, કૂકીઝ જેવા બેકરી ઉત્પાદનો લોકોના રોંજિદા જીવનમાં સામેલ થયા છે. આ ઉપરાંત ખોરાક સ્વાદિષ્ટ બનાવવા મીઠાઈઓ અથવા સ્ટ્રીટ ફૂડમાં ફૂડ કલર્સનો ઉપયોગ વધ્યો છે. ભારતમાં કેટલાક ફૂડ કલર્સ પર પ્રતિબંધ હોવા છતાં ચેરી અથવા જામ જેવા ઉત્પાદનોમાં તેનો ઉપયોગ થાય છે. તેમાં રહેલ આર્સેનિક જેવા ઝેરી તત્વો શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
ઇન્સ્ટન્ટ ખોરાક અને તળેલા ફરસાણ કરે છે નુકસાન
આ ઉપરાંત ફેક્ટરીઓમાં બનતા ચિપ્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પેકેજ્ડ બિસ્કિટ જેવા ખાદ્ય ચીજોમાં વધારાનું તેલ, મીઠું અને ખાંડ હોય છે. આજે લોકોમાં પેકેજ ફૂડ આઈટમનો ક્રેઝ વધ્યો છે. જો કે આ વસ્તુઓનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગર અને હૃદય રોગની સમસ્યાઓ થાય છે. તેમજ બહાર લારી પર મળતા સમોસા, કચોરી જેવા ફરસાણમાં ઉપયોગમાં લેવાતું બિનઆરોગ્યપ્રદ હોય છે. કારણ કે વેપારીઓ લાભ માટે એક જ તેલમાં બે કે ત્રણ વખત નાસ્તા તળતા હોય છે. નબળી ગુણવત્તાવાળા તેલના કારણે પણ સ્થૂળતા, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા ગંભીર રોગોનું જોખમ વધી શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.