દેશમાં દિવસેને દિવસે ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે.ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા અનેક વસ્તુઓનો ખ્યાલ રાખવું વધુ જરૂરી છે. જેમ કે આહારમાં કેટલીક ચીજોથી ખાસ પરહેજ કરવો જોઈએ. ખાંડ અને મીઠી વસ્તુઓ સિવાય પણ કેટલીક એવી ખાદ્ય ચીજવસ્તુઓ હોય છે જે ધીમી રીતે બ્લડ શુગર વધારી શકે છે. આવો જાણીએ કયા એ આહાર છે. જેનાથી પરહેજ રાખવુ જોઇએ.
સફેદ ભાત
સફેદ ભાત ભારતીય ઘરોમાં મુખ્ય ખોરાક છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ સૌથી હાનિકારક ખાદ્યપદાર્થોમાંથી એક બની શકે છે. સફેદ ભાતનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ ઘણો ઊંચો હોય છે એટલે કે તે ઝડપથી પચી તો જાય છે પરંતુ બ્લડ શુગર લેવલ તરત વધારી શકે છે.
બટાકા અને મસાલેદાર શાકભાજી
બટાકા, શક્કરિયા અને મકાઈ જેવી કેટલીક શાકભાજીમાંથી સ્ટાર્ચ વધુ માત્રામાં મળે છે, જે શરીરમાં ઝડપથી ગ્લુકોઝમાં ફેરવાઈ શકે છે. બટાકાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ ઊંચો હોય છે.જેના કારણે તે બ્લડ શુગરને ઝડપથી વધારતો હોય છે.
ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ સ્નેક્સ
આજના ઝડપી જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ અને પેકીંગવાળા સ્નેક્સ સામાન્ય પસંદગી બની ગયા છે, પણ ડાયાબિટીસના દર્દીઓ માટે આ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. બર્ગર, પિઝ્ઝા, ફ્રેંચ ફ્રાઈઝ, ચીપ્સ અને પેકેજ્ડ કૂકીઝ જેવી વસ્તુઓમાં અનહેલ્ધી ફેટ , રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ, વધારે મીઠું અને ખાંડ હોય છે એટલે તેનાથી પણ પરહેજ રાખવી.
મીઠા ફળ અને ફળોનો રસ
હવે ફળો વિટામિન્સ, ખનિજ અને ફાઈબરના સારા સ્ત્રોત છે. પરંતુ ડાયાબિટીસ ધરાવતા લોકોને બધા ફળ નહીં ખાવા જોઈએ. કેટલાક ફળોમાં કુદરતી ખાંડ ખૂબ વધારે હોય છે, જેમ કે કેરી, કેળું, લીચી, ચીકુ અને દ્રાક્ષ.ડાયાબિટીસના દર્દીઓએ ઘરનુ અને સાત્વિક ભોજન લેવુ જોઇએ.