ડાયાબિટીસ એક દુર્લભ રોગ છે. એક સમયે તમે કેન્સર જેવી બીમારીમાંથી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ શકો છો. પરંતુ ડાયાબિટીસ બીમારીમાં સંપૂર્ણપણે રાહત મેળવી શકાતી નથી. આ બીમારીનું નિદાન થયા બાદ ડાયાબિટીસના દર્દીએ ખાનપાનથી લઈને જીવનશૈલીમાં બદલાવ કરવો પડે છે. ડાયાબિટીસના દર્દીઓ રોજિંદા આહારમાં ચોક્કસ પ્રકારના ખોરાક અને કસરતને સામેલ કરવાથી જ બીમારીમાં આંશિક રીતે રાહત મેળવી શકે છે.
બ્લડ સુગર રહેશે નિયંત્રણમાં
ડાયાબિટીસને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી, પરંતુ યોગ્ય આહાર, નિયમિત તપાસ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તેને નિયંત્રણમાં રાખી શકાય છે. આ બીમારીમાં ખાસ કરીને શરીરમાં બ્લડ સુગર લેવલની વઘઘટ પર ધ્યાન રાખવું પડે છે. ભારતમાં ઋષિ મુનિઓના સમયથી કરાતા યોગનું મહત્વ આજે દુનિયાએ પણ માન્યું છે. યોગાસનો શરીર સ્વસ્થ રાખવા સાથે ગંભીર બીમારીમાં પણ મોટી રાહત આપે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાંમાં આ યોગ આસનો વધુ અસરકારક
કપાલભાતિ: કપાલભાતિ એક પ્રાણાયામ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન કહી શકાય. આ યોગ કરવાથી પેટના સ્નાયુઓ સક્રિય થશે. અને શરીરની અંદર એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરશે. તમે શાંત સ્થાન પર સુખાસનમાં બેસી ઊંડા શ્વાસ લો પછી નાકમાંથી જોરશોરથી શ્વાસ બહાર કાઢો. ઓછામાં ઓછા 10 મિનિટ સુધી આ કરો. આ આસન નિયમિત કરવાથી ચોક્કસપણે ફાયદા થશે
ત્રિકોણાસન : ત્રિકોણાસન કરવાથી શરીરમાં બ્લડ સુગરનું લેવલ ઘટશે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ આસન ફાયદાકરક છે. આ આસનથી તણાવ દૂર થશે અને પાચનમાં સુધારો થશે. આ આસન કરવા તમારા પગને હિપ ડિસ્ટન્સ પર ફેલાવો પછી એક પગને 90 ડિગ્રી પર વાળી લો. ત્યારબાદ બીજો પગ સીધો રાખી જમણા હાથથી જમીન પર સ્પર્શ કરો અને બીજા હાથને ઉપર રાખો. આ પ્રક્રિયા દરેક બાજુથી ઓછામાં ઓછી ત્રણ વખત પુનરાવર્તન કરવી પડશે.
ધનુરાસન : ધનુરાસન કરવાથી સ્વાદુપિંડ સક્રિય થાય છે અને તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે. આમ, સુગર લેવલ નિયંત્રણ માટે આ આસન ઉપયોગી છે. દરરોજ ધનુરાસન કરવાથી કયારેય બ્લડ સુગર લેવલ વધશે નહી. આ આસન કરવા પેટ પર સૂઈ જાઓ અને તમારા ઘૂંટણને વાળો. પછી તમારા હાથથી તમારા પગની ઘૂંટીઓ પકડો. આ પછી, ધીમે ધીમે તમારી છાતી અને પગ ઉપર કરો. થોડી સેકંડ માટે આ સ્થિતિમાં રહો.