મહિલાઓ પરિવારના લોકોને તંદુરસ્ત રાખવા ભોજનમાં આહારનો ખાસ ખ્યાલ રાખે છે. સવારનું ભોજન હોય અને રાત્રિનું ડિનર હોય કે પછી નાસ્તો વિવિધ પ્રકારની વાનગી બનાવે છે. આ વાનગી બનાવવા કયારેક સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ રોજિંદા આહારમાં જો સોડાનું ઉપયોગ વધે તો સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા બની શકે છે તેવી આરોગ્ય નિષ્ણાતે ચેતવણી આપી.
ખોરાકમાં સોડાનો ઉપયોગ
સોડા એટલે કે બેકિંગ સોડાનો ખમણ, હાંડવો, ઢોકળા, ભજીયા જેવા ખોરાક બનાવવામાં ઉપયોગ થાય છે. મર્યાદિત માત્રામાં તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ દરરોજની વાનગીમાં સોડાનો વધુ ઉપયોગ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે સોડાનો ખોરાકને નરમ અને ફૂલેલો બનાવવા તેમજ ઝડપી ફર્મેન્ટેશન લાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ખોરાકમાં સોડા નાખી આ વાનગીના કારણે શરીરમાં થતી થોડી એસિડિટી ન્યુટ્રલ કરી શકાય છે.
આ લોકો માટે સોડા નુકસાનકારક
આરોગ્ય નિષ્ણાતના મતે ખોરાકમાં સોડાનો વધુ ઉપયોગ કરવાથી પાચન સમસ્યામાં વધારો થાય છે. ખાસ કરીને જે લોકોને પહેલાથી જ પેટની ફરિયાદ હોય તેમનામાં ગેસ, ડાયરિયા, પેટ ફૂલવું અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યા થવાનું જોખમ રહે છે. તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી બ્લડ પ્રેશર વધી શકે છે, ખાસ કરીને જેમને હાઈ B.P.ની સમસ્યા છે તેમના માટે જોખમી બની શકે છે.
કિડની પર અસર
વધારે સોડાથી પોષણમાં ખલેલ થતા વિટામિન B પર અસર થઈ શકે છે. તેમજ નિયમિત અને વધુ સોડાનો ઉપયોગથી લાંબા ગાળે કીડનીને નુકસાન થવાનું જોખમ વધે છે. લીવર સંબંધિત સમસ્યા હોય તેવા લોકોએ ખોરાક બનાવવા શક્ય તેટલો સોડાનો ઉપયોગ ટાળવો.દરરોજ કે વધારે માત્રામાં સોડા વાપરવો હાનિકારક સાબિત થઈ શકે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )