વરસાદી સિઝનમાં બીમારીથી દૂર રહેવા પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ. મોટાભાગના લોકોને વરસાદમાં ફરસાણ ખાવાનું વધુ પસંદ હોય છે. પરંતુ તળેલા નાસ્તા વધુ પડતા ખાવાથી જલદી પાચન ના થવાના કારણે સ્વાસ્થ્ય સમસ્યા વધે છે. આ સિઝનમાં બીમારીનો પ્રકોપ વધે છે એટલે તમે પોતાના દૈનિક આહારમાં સંતુલન રાખી આરોગ્ય તંદુરસ્ત રાખી શકો છો. સપ્તાહમાં જો એક બે વખત સ્પ્રાઉટસ અનાજ ખાશો તો બીમારીને દૂર રાખી શકશો.
સ્પ્રાઉટ્સ ચાટ જાળવશે ટેસ્ટ
સ્પ્રાઉટસ અનાજમાં સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખોરાકનો વિકલ્પ છે ચાટ. સ્પ્રાઉટ્સ ચાટ તમારો ટેસ્ટ જાળવશે અને આરોગ્ય પણ તંદુરસ્ત રાખશે. તમે તેને સરળતાથી ઘરે બનાવી શકો છો. સ્પ્રાઉટ્સ પ્રોટીન, ફાઇબર, વિટામિનથી ભરપૂર હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. તમે ચણા અને મગને ફણગાવીને ઘણી વસ્તુઓ બનાવી શકો છો. આ લેખમાં તમારા સ્વાદ વધારનારી સ્પ્રાઉટસ ચાટની રેસીપી જણાવીશું.
આ રીતે બનાવો ચાટ
સ્પ્રાઉટસ ચાટ બનાવવા ચણા અથવા મગનો ઉપયોગ કરો. આ ચાટ બનાવવા પહેલો આ કઠોળ ફણગાવી દો. પછી તેમાં તમે મનપસંદ શાકનો ઉપયોગ કરી શકો છો. તમે મકાઈ, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, કાકડીને ઝીણા સમારી લો અને પછી આ ફણગાવેલા કઠોળમાં મિક્સ કરો. આ શાકભાજી નાખ્યા બાદ તેમાં મીઠું, ચાટ મસાલો અને લીલા મરચા અને લીંબુ ઉમેરી બરાબર આ મિશ્રણને હલાવી લો. તૈયાર થઈ ગઈ સ્પ્રાઉટસ ચાટ. આ ચાટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હશે. આ ચાટ સવારના નાસ્તામાં અને સાંજના નાસ્તામાં ખાઈ શકો છો. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આ ચાટને સપ્તાહમાં બે-ત્રણ વખત જુદા-જુદા કઠોળ સાથે બનાવીને ખાઈ શકો છો.