ચોમાસામાં વરસાદ સાથે ભજીયા અને દાળવડાં ખાવાનું લોકોને મન થાય છે. વરસાદની સિઝન શરૂ થતાં જ સાંજની ચા સાથે નાસ્તામાં વિવિધ પ્રકારના ફરસાણ લોકોના ઘરમાં બનવા લાગે છે. આ તળેલા ફરસાણ વજનમાં વધારો કરે છે અને કયારેક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તમે સિઝનમાં સાંજની ચાની ચુસ્કી સાથે ફરસાણને ભૂલાવી દે તેવા આ નાસ્તા ખાઈ શકો છો.
તળેલા ફરસાણના બદલે આ નાસ્તો કરો ટ્રાય
વરસાદી સિઝનમાં મોટાભાગના લોકો નાસ્તામાં સમોસા, પકોડા અને જલેબી જેવા ખાદ્યપદાર્થો આહારમાં લેતા હોય છે. આ ખોરાક સ્વાદમાં વધારો કરે છે. પરંતુ વધુ કેલેરી હોવાના કારણે તેનું સેવન વજનમાં વધારે છે. અને વધુ વજન અનેક બીમારીઓનું કારણ બને છે. એટલે સાંજના નાસ્તામાં તમે આ પ્રકારના નાસ્તા ટ્રાય કરી શકો છો.
સ્પ્રાઉટ્સ ચાટ : ખાવાના શોખીનો તળેલા ફરસાણના બદલે સ્પ્રાઉટસ ચાટ ખાઈ શકે છે. આ નાસ્તાનું સેવન વરસાદી સિઝનમાં મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છાને પણ પૂર્ણ કરશે. સ્પ્રાઉટસ સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે અને તેમાંથી બનતી ચાટ પણ પૌષ્ટિક આહારનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ચાટમાં તમે લીંબુ, ડુંગળી અને લીલા ધાણા ઉમેરી સ્વાદમાં વધારો કરી શકો છો. આ ચાટ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગશે અને વારંવાર ખાવાની આદત પર રોક લાગશે.
પૌંઆનો ચેવડો : શેકેલા પૌંઆનો ચેવડો એક સ્વાદિષ્ટ નાસ્તો છે. આ નાસ્તો બનાવવા માટે તમારે તળવાની જરૂર નથી. ચોખામાંથી બનતા પૌંઆ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે. પૌંઆના ચેવડામાં તમે શિંગ, દાળિયા અને સેવનો ઉપયોગ કરી શકો છો. આ તમામ વસ્તુઓ ચેવડામાં હોવાથી તમને ભૂખ ઓછી લાગશે. આ ચેવડો ખાવાથી તમારી ઉર્જાનું સ્તર જળવાઈ રહેશે.
ગરમ સૂપ : ટામેટા-બીટ અથવા ગાજર-આદુનો સૂપ બનાવો અને તેમાં થોડી સેલરી, કાળા મરી અને જીરું ઉમેરો. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ સિઝનમાં ગરમ-ગરમ સૂપ પણ નાસ્તાનો સારો વિકલ્પ છે. તમે મકાઈનો સૂપ અથવા ચાઈનીઝ સૂપ બનાવી શકો છો. સૂપનું સેવન વારંવાર લાગતી ભૂખ દૂર કરશે. સૂપ પીવાથી પેટ ભરેલું લાગશે અને તમે લાંબા સમય સુધી તમને ખાવાનું મન થશે નહી.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )