- અચાનક ઢળી પડતા લોકો
- સાયલન્ટ કિલરે મૂકી માઝા
- એક જ દિવસમાં 8ના લીધા ભોગ
ગુજરાતમાં હાર્ટએટેક દિવસેને દિવસે બિહામણો બનતો જઈ રહ્યો છે. આજે હૃદયરોગે કુલ 8 ગુજરાતીઓના ધબકારા થંભાવી દીધા હતા. એક જ દિવસમાં 8 લોકોના હાર્ટએટેકથી મોત થતાં લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે.
આજે અરવલ્લીના મોડાસામાં 55 વર્ષીય આધેડને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે મોડાસામાં રિકરીંગ અને એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા 55 વર્ષીય નરેશ મહેતાનું હાર્ટએટેકના લીધે મોત નિપજ્યું હતું, અરવલ્લી જિલ્લામાં હાર્ટએટેકના વધતા જતા બનાવોના પગલે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ ઉપરાંત ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ એક 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની જાણકારી સામે આવી હતી. માહિતી મુજબ ગાંધીનગરમાં પીએસઆઇની ભરતીની તૈયારી કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ 24 વર્ષીય યુવાન દોડની પ્રેકટીસ કરતો હતો અને અચાનક ઢળી પડ્યો હતો ત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. અહીં ભાવનગરના રસાલા કેમ્પમાં રહેતી આધેડ મહિલાનું હાર્ટએટેક મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયાની અંદર આ હૃદયરોગના હુમલાના કારણે ત્રીજા મોતની ઘટના નોંધાવા પામી છે. રસાલાકેમ્પમાં રહેતી આધેડ મહિલાને હાર્ટ એટેક આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.
સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએેટેકના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. માહિતી પ્રમાણે મૂળ બોટાદ જિલ્લાના જલાલપોર ગામના વતની અને સુરત કતારગામ ખાતે સ્થાયી થયેલા દિલીપભાઈ રતિલાલ કાછડીયાને હાર્ટ એટેક આવ્યો હતો. 48 વર્ષીય દિલીપભાઈ રાત્રે બાથરૂમમાં અચાનક જ ઢળી પડ્યા હતા જ્યાં બાથરૂમનો દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને 108ની મદદથી સ્મીમેર લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે દિલીપભાઈ તેમના ઘરે કમાનાર એક જ વ્યક્તિ હતા.
આ ઉપરાંત આજે અમરેલીમાં શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ધોરણ-9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું હાર્ટએટેકના લીધે મોત થયું હોવાની આશંકા છે. પરીક્ષાખંડમાં અચાનક જ વિદ્યાર્થિની ઢળી પડી હતી. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ વિદ્યાર્થિનીનું મોત હાર્ટએટેકના લીધે થયું હોવાનું પ્રાથમિક તારણ છે. આમ આજના દિવસમાં રાજ્યમાં વિવિધ શહેરોમાં અલગ અલગ જગ્યાઓ પરથી 8 લોકોના હાર્ટએટેકથી મોતના સમાચાર સામે આવ્યા હતા જેને લઈને રાજ્યની જનતામાં ચિંતા અને ભયનો વાતાવરણ સર્જાય તેવી પૂરી શક્યતાઓ છે.


