કણકોટના પાટીયા પાસે મોડી રાત્રીના બન્યો બનાવ : કચરો વીણતી મહિલાને અર્ટિંગા કાર ચાલકે ઢસડી : કરૂણ મોત
રાજકોટમાં હવે રાત્રીના સમયે એકલ દોકલ માણસને બહાર નીકળવું જોખમી બન્યું છે. દારૂ પીને વાહનોમાં નિરંકુશ રખડતા નબીરા બેફામ ઝડપે વાહન ચલાવી લોકોના જીવ લેતા પણ અચકાતા નથી. ગત રાત્રીના શહેરના કાલાવડ રોડ પર કણકોટ ગામના પાટીયા પાસે અર્ટિંગા કાર ચાલકે કચરો વીણતી વૃધ્ધાને હડફેટે લઇ કમકમાટી ભર્યું મૃત્યું નિપજાવ્યું હતું. અકસ્માત કારચાલક કાર સાથે ફરાર થઇ ગયો હતો. વૃધ્ધા કારમાં ફસાયા બાદ બે કિલોમીટર સુધી ઢસડાઇ હોવાનું આંખે જોનાર લોકોએ જણાવ્યું હતું. પોલીસે કલાકોની જહેમત બાદ સીસીટીવીના આધારે અકસ્માત સર્જનાર શખ્સની ઓળખ મેળવી લીધી છે. તેની શોધખોળ ચાલુ છે.
આ બનાવની મળતી વિગત મુજબ રાજકોટના મોટામવા પાસે આવેલા ઇન્દિરા આવાસ યોજના 25 વારીયા ક્વાર્ટરમાં રહેતી વિજયાબેન બીજલભાઇ બથવાર (ઉ.વ.65) નામની વૃદ્ધા તેના નાના પુત્ર સાથે દરરોજ કચરો વીણવા નીકળે છે અને પરિવારના સભ્યો આ કચરા વેચીને ગુજરાત ચલાવે છે. ગતરાત્રિના પણ નાનો પુત્ર અને માતા બંને કચરો વીણવા માટે કણકોટ ગામની ઘોડાધાર પાસે ગયા હતા. જ્યાં ચા-પાન અને નાસ્તાની હોટલો આવેલ હોવાથી પ્લાસ્ટિકની બોટલો વધુ હોય, ત્યાં માતા પુત્ર કચરો વીણી રહ્યા હતા. ત્યારે રાત્રિના 12 થી 12:30 ની વચ્ચે સફેદ કલરની કાર બેકાબુ સ્પીડે આવી ચડી હતી અને સાઈડમાં રહેલા વૃદ્ધા વિજયાબેન બાથવારને ઠોકરે લીધા હતા. એટલું જ નહીં આ વૃદ્ધા કારની પાછળના ભાગે ફસાઈ જતા કારના ચાલકે કોઈ દરકાર લીધી ન હતી અને તેમની કાર પુરપાત સ્પીડે ભગાડી મૂકી હતી. જે દ્રશ્ય નાનો પુત્ર જોઈ જતા તે કારની પાછળ બચાવો બચાવોની બૂમ પાડતો દોડતો રહ્યો હતો.
અંદાજિત બે કિલોમીટર સુધી 65 વર્ષીય વૃદ્ધા વિજ્યાબેને રોડ પર ઢસડાતા રહેતા તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ત્યારે કાર કણકોટ પાટીયા થી કાલાવડ રોડ ઉપર ચડતા આ વૃદધા કાર સાથેથી છૂટા પડી ગયા હતા અને રોડની સાઈડમાં પટકાયા હતા. ત્યાં સુધીમાં તો વૃદ્ધાનું મોત થઈ ગયું હતું. બાદમાં સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તેમનો પુત્ર પણ ત્યાં આવી જતા માતાને લોહી લુહાણતમાં જોઈ ભાંગી પાડ્યો હતો. અન્ય સભ્યોને જાણ કરતા મોટાભાઈ સહિતના સભ્યો સ્થળ પર આવી પહોંચ્યા હતા સાથે તાલુકા પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, માતા માનસિક બીમારીથી પીડાતા હતા. આથી પોલીસે વૃદ્ધા ના પુત્ર જગદીશ બથવાર ની ફરિયાદ પરથી GJ 3 NK 2095 નંબરની અર્ટિકાના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સીસીટીવીના આધારે મેટોડાથી કાર કબજે કરાઇ
કાલાવ રોડ પર કણકોટ પાટીયા પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે અલગ અલગ દિશાઓમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને તેમાં સફળતા મળતા અકસ્માત સર્જનાર અર્ટિકા કાર GJ 3 NK 2095 નંબરની હોવાનું ખુલ્યું હતું. જેના આધારે માલિકની તપાસ કરતા આ ગાડી ઉપલેટાના વાડોદર ગામના સતીશ કાંતિભાઈ સિંગલની હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે તેનો સંપર્ક કરતા સતીશ સિંગલ પરિવાર સાથે ધોરાજી રહેતા હોવાનું ખુલ્યું હતું આથી ધોરાજી ખાતે સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે તેણે આ કાર તેના મેટોડા ખાતે રહેતા બનેવી જયેશ કિશોરભાઈ દવેરાને આપી હતી. તુરંત મેટોડા દોડી જતા ત્યાં અકસ્માત ગ્રસ્ત કાર મળી આવી હતી બાદમાં ફ્લેટમાં તપાસ કરતા જયેશની પત્ની હાજર મળી આવી હતી તેણે એવું જણાવ્યું હતું કે જયેશ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં ઘરે આવી કારની ચાવી લઈને ક્યાંક ચાલ્યા ગયેલ છે. આથી જયેશ અકસ્માત સર્જી નાશી છૂટયાનું ખુલવા પામતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે શોધખોળ હાથ ધરી છે.