- સીઝનમાં પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રીને પાર
- રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.1 ડિગ્રી તાપમાન
- નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી તાપમાન
રાજ્યમાં લોકોને હવે ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. સવારથી જ જાણે કે સૂર્યદેવતા પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દે છે. આ સમયે શહેરીજનો બપોરના સમયે બહાર નીકળવામાં થોડી મુશ્કેલી અનુભવી રહ્યા છે. રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી પણ કરી છે. આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આવનારા 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.
આ કારણે આવી રહ્યો છે ફેરફાર
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન વધ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે સીઝનમાં પ્રથમ વખત હાલમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે
રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
જાણો કઈ જગ્યાઓએ કેટલું રહ્યું તાપમાન
રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે તો સાથે જ નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદની વાત કરીએ તો લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ16.5 મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.


