- 2011થી 2020ના દાયકા સરેરાશ કરતાં વધારે ગરમી અને વરસાદવાળો રહ્યા
- 1961-1990ની તુલનામાં છેલ્લા દાયકામાં ઠંડીના દિવસો 40 ટકા ઘટયા છે
- ભારત COP-33 શિખર સંમેલનનું યજમાન બનવા સક્ષમ હોવાનો UAEનો દાવો
સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ સંમેલન (COP-28)માં વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)એ ભારત પરનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં બગડતા જતા જળવાયુ પરિવર્તનના કારણે 2011થી 2020ના દાયકાને સરેરાશ કરતાં વધારે ગરમી અને સર્વાધિક વરસાદવાળો ગણાવ્યો છે. રિપોર્ટના ડરાવનારા આંકડામાં કહેવાયું છે કે આ સમયગાળામાં જળવાયુ પરિવર્તનનો દર ચિંતાજનક રીતે વધ્યો છે, જે રેકોર્ડમાં સૌથી વધારે રહ્યો. સંયુક્ત રાષ્ટ્રના WMOએ હવામાન, જળવાયુ તથા જળસંસાધન અંગે અભ્યાસ આધારિત શોધ કરી છે. રિપોર્ટ અનુસાર, 2011-20નો દાયકો ઉત્તર-પિૃમ, ચીન, અને અરબ દ્વીપકલ્પના દક્ષિણ તટ માટે સૌથી વધારે ગરમ રહ્યો છે. બીજી તરફ, ઠંડીના દિવસોની સંખ્યા સતત ઘટી રહી છે. 1961-1990ના દાયકાઓની સરખામણીએ છેલ્લા દાયકામાં ઠંડીના દિવસો 40 ટકા ઘટયા છે. ભારતમાં પૂરની સમસ્યા પણ વધી ગઈ છે. જૂન, 2013માં ભારે વરસાદ, પહાડો પરનો બરફ પીગળવો, અને ગ્લેશિયરો પીગળવાના કારણે ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે.
ગુજરાતની બે મહિલાએ પારંપરિક સમાધાન રજૂ કર્યું
દેશી પરિધાન ધારણ કરેલાં સંગીતાબહેન રાઠોડ અને જસુમતીબહેન પરમારે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પારંપરિક સમાધાનોની સાથે જળવાયુ સંમેલનમાં શાનદાર હાજરી નોંધાવી. આની પહેલાં ક્યારેય પોતાના ગૃહરાજ્યની બહાર ન ગયેલાં અરવલ્લીના રાઠોડ અને જેતપુરના પરમારે જળવાયુ પરિવર્તન સામે લડવા વ્યાવહારિક સમાધાન રજૂ કર્યાં હતાં. પોતાના પારંપરિક જ્ઞાનના આધારે તેઓ લીમડાના પાંદડાં અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જૈવિક ખાતર અને કીટનાશક બનાવે છે, જેણે વરસો સુધી માત્ર તેમના પાકને બચાવ્યો એટલું જ નહીં બલકે આખા ભારતમાં મહિલા ખેડૂત તેને અપનાવે છે. તેનાથી રાસાયણિક ખાતરનો એક સતત વિકલ્પ મળ્યો છે.
લોકોનાં ખિસ્સા પર ભારણ વધ્યું
WMOના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી 2020 દરમિયાન ભીષણ પૂરના લીધે ભારતમાં ૨,000થી વધારે મૃત્યુ થયાં છે. તેના ઉપરાંત, ગરમીથી બચાવ માટે જીવનગુજારા પર મોટી અસર થઈ છે. તેનાથી લોકો પરનું ભારણ વધી રહ્યું છે.
ભારતની ગતિ જાળવી રાખવી જરૂરી
સંયુક્તરાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) ભારતના જળવાયુ પ્રમુખ ડૉ. આશિષ ચતુર્વેદીએ કહ્યું કે ભારતે વૈશ્વિક જળવાયુ કાર્યવાહીની દિશામાં અહીં સંયુક્ત રાષ્ટ્ર કોપ-28 શિખર સંમેલનમાં પોતાની ગતિ અને પેરવીના પ્રયાસોને ચાલુ રાખવા જરૂરી છે. તેમણે વિકસિત દેશો પાસેથી વધારે પ્રતિબદ્ધતા અને નાણાકીય પોષણની માગને પણ જરૂરી ગણાવી. ભારતમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાજદૂત અબ્દુલનાસિર અલશાલીએ કહ્યું કે ભારત COP-33 શિખર સંમેલનનું યજમાન બનવા માટે સક્ષમ છે.


