- ગરમીમાંથી આવીને તરત જ પાણી પીવું નહીં
- શરીરને રૂમ ટેમ્પ્રેચરમાં સેટ કરો પછી પાણી પીઓ
- એકસાથે પાણી પીવાને બદલે ધીરે ધીરે પાણી પીવું જરૂરી
દેશમાં અને રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે. અંગ દઝાડતી ગરમીમાં તમારે કેટલીક નાની વાતોની કાળજી લેવાનું જરૂરી બની જાય છે. કારણ કે આ સ્થિતિમાં વ્યક્તિને ડિહાઈડ્રેશનનું જોખમ સૌથી વધુ રહે છે. આ સમયે આપણે શરીરને ઠંડું રાખવા ઠંડા પીણા પી લઈએ છીએ પણ તમારે એ ધ્યાન રાખવાનું જરૂરી છે કે તમારે તે ક્યારે પીવા. જો તમે યોગ્ય રીતે તેનું સેવન નહીં કરો તો પણ તમે બીમાર થઈ શકો છો.
તો જાણો ગરમીમાંથી આવ્યા પછી કેટલા સમય બાદ પાણી પીવું જોઈએ અને પાણી પીવાની સાચી રીત કઈ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ નાની બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમે આ સીઝનમાં બીમારીની સાથે જલ્દી જ ડિહાઈડ્રેશનનો શિકાર પણ બની શકો છો.
પાણીનું સેવન જરૂરી છે
ઉનાળામાં ઊંચા તાપમાન અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ડિહાઇડ્રેશનથી બચવા માટે પુષ્કળ પાણીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે તમે સખત તડકામાં લાંબો સમય પસાર કર્યા પછી પાછા આવો છો ત્યારે તમારે તરત જ પાણી પીવું નહીં કારણ કે તેનાથી શરદી, ચક્કર, હીટ સ્ટ્રોક અને ચેપ જેવી સમસ્યાઓનું જોખમ ઝડપથી વધે છે.
પાણી ક્યારે પીવું
જ્યારે પણ તમે તડકામાંથી પાછા આવો ત્યારે થોડીવાર અથવા ઓછામાં ઓછા 15-20 મિનિટ આરામથી બેસો, તમારા શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય તેની રાહ જુઓ. શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય પછી જ તમારે સામાન્ય અથવા ઓછું ઠંડુ પાણી પીવું જોઈએ. આ સમયે પણ એ ધ્યાન રાખો કે એકસાથે પાણી ન પીઓ. ધીમે ધીમે પાણી પીવું જોઈએ.
સમયાંતરે પાણી પીવો
ગરમીની સીઝનમાં થોડી થોડી વારે પાણી પીતા રહેવું જોઈએ. જો તમે તડકામાં લાંબો સમય વિતાવ્યા પછી પાછા આવી રહ્યા છો, તો શક્ય હોય તો લીંબુ પાણીનું ધીરે ધીરે સેવન કરો. તેનાથી તમને એનર્જી મળશે અને ડિહાઈડ્રેશનનો ડર ઓછો રહેશે. જો શક્ય હોય તો નારિયેળ પાણી પણ પી શકો છો. તેનાથી શરીર હાઇડ્રેટ રહેશે અને હીટ સ્ટ્રોકથી બચી શકાય છે.