- ઈડર, વડાલી, વિજયનગરમાં વરસાદ
- વિજયનગરના કોડિયાવાડા બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા
- ઢીંચણસમા પાણીમાં વાહનો ચલાવવા લોકો મજબૂર
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના ઈડર, વડાલી અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માત્ર દોઢ કલાકમાં એક ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. વિજયનગરના કોડિયાવાડા બસ સ્ટેન્ડ ઉપર પાણી ભરતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.
ઢીંચણસમા પાણીમાં વાહનો ચલાવવા લોકો મજબૂર
કોડિયાવાડા વિજયનગર મેઈન રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતાં રાહદારીઓને ચાલવાની પણ મુશ્કેલી થઈ રહી છે. ઘણા વાહનોના એન્જિમાં પાણી ભરાઈ જતા વાહનો બંધ થવાની ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે સ્થાનિકોને ધક્કા મારીને વાહન પાણીની બહાર કાઢવાની ફરજ પડી હતી. વરસાદના કારણે રોડ પર નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
અનેક વિસ્તારમાં ઢીંચણસમા પાણીમાં વાહનો પસાર કરવા વાહન ચાલકોને મજબૂર બનવુ પડ્યુ, જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ગામમાં પાણીનો નિકાલ ન થવાના કારણે વારંવાર આ સમસ્યા સર્જાય છે.
નવસારીના જલાલપોર તાલુકામાં અડધો ઈંચ વરસાદ
વહેલી સવારથી નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના નવસારીના જલાલપોર તાલુકામાં અડધો ઈંચ વરસાદ, વાંસદા, ખેરગામ, ગણદેવી અને ચીખલી તાલુકાઓમાં દોઢથી બે ઈંચ વરસાદ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીના વાંસદામાં જુજ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આજે રાજ્યના 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો
આજે રાજ્યના 200થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 14 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે અને 43 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ, જ્યારે 172 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે અવિરત વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમ અને તળાવો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે અને ઘણા ડેમોને એલર્ટ મોડ પર મુકવામાં આવ્યા છે.


