- અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા વરસ્યા
- વસ્ત્રાપુર, જજીસ બંગ્લો રોડ પર ભારે વરસાદ
- રોડ પર પણ વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં સાંજે વાતાવરણમાં પલટા સાથે ભારે વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે શહેરમાં સવારથી જ વાદળો છવાયેલા હતા અને આખરે સાંજના સમયે વરસાદે બેટિંગ શરૂ કરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ
અમદાવાદના ગોતા, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, જજીસ બંગ્લો રોડ, પકવાન ચાર રસ્તા, ગુરૂદ્વારા રોડ, આઈઆઈએમ રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રોડ પર પણ વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા છે.
અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નવસારી, સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, વલસાડ તથા દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, દ્વારકા, કચ્છ અને પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ
ગઈકાલે વલસાડ જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી, અતિભારે વરસાદને લઈ વલસાડ જિલ્લામાં તમામ શાળા, કોલેજ, આંગળવાળીઓ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે નવસારીમાં બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં વરસેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ગણદેવી તાલુકાના બિલીમોરા શહેર સહિત 14 ગામોમાં પૂરની અસર થતાં તાલુકાના આગેવાનો તંત્ર સાથે લોકોની સેવામાં જોડાયા હતા. બીલીમોરાના નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર ડેમની જળસપાટી વધી
રાજ્યમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમની જળસપાટી 124.88 મીટર સુધી પહોંચી છે. જેમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75148 ક્યૂસેક થઈ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. તેમજ નર્મદા ડેમ હજુ 15 મીટર ખાલી છે, સરદાર સરોવર ડેમમાં 2101.02 MCM પાણી જમા થયુ છે.


