13 જુલાઈની સાંજે ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આખો દિવસ રાહ જોયા બાદ દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. સાંજે 6 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને જોરદાર પવન ફૂંકાયો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકજામ થઈ ગયો.
30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બેથી ત્રણ કલાકમાં દિલ્હી NCRની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હરિયાણાના સોનીપત, ખારખોડા, ઝજ્જર, સોહના, પલવલ અને નુહ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMDએ દિલ્હીમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ઉત્તરપ્રદેશમાં પણ વરસાદની આગાહી
ઉત્તરપ્રદેશના પશ્ચિમી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. બાગપત ખેરકા, નંદગાંવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાનના ભીવાડી, તિજારા અને નજીકના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે સાંજે દિલ્હી એનસીઆરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે. રસ્તાઓ પર વરસાદી પાણી જમા થવાને કારણે વાહનચાલકોને કલાકો સુધી રખડવું પડ્યું હતું. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઈન્ડિગો એરલાઈન્સે સૂચના જાહેર કરી
ઈન્ડિગો એરલાઈન્સે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં મુસાફરી સૂચના જાહેર કરી છે. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, જે સેવાઓને અસર કરી શકે છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવ્યું છે કે જો તમે એરપોર્ટ તરફ આવી રહ્યા છો તો થોડા વહેલા ઘરેથી નીકળી જાઓ.