- ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મોત પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
- રઈસીના મોત બાદ એશિયાની રાજનીતિ પર પડશે અસર
- ચાબહાર ડીલના એક અઠવાડિયા પછી રઈસી દુર્ઘટનાનો શિકાર બન્યા
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના મોતના એક અઠવાડિયા પહેલા ભારતે ઈરાની સાથે એક મોટી ડીલ કરી હતી. જે હેઠળ ચાબહાર બંદરનું સંચાલન 10 વર્ષ માટે ભારતને મળ્યું હતું. પીએમ મોદીએ રઈસીના મોત પર દુ:ખ વ્યક્ત કરીને કહ્યું કે ભારત-ઈરાનના સંબંધો મજબૂત કરવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીના મોત બાદ ઈરાન શોકમાં ડૂબી ગયું છે. રવિવારની સાંજે ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં ક્રેશ થયું હતું. સોમવારે સવારે જ્યારે રેસ્ક્યૂ ટીમ કાટમાળ પર પહોંચી ત્યારે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીના મૃત્યુ પછીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર છે. ઈરાન અને ભારત સાથેના ગાઢ સંબંધોને જોતાં નવી દિલ્હી પણ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ અકસ્માતની પશ્ચિમ એશિયાના રાજકારણ પર ઊંડી અસર પડશે.
ભારત પર શું થશે અસર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રઈસીના નિધન પર કહ્યું કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના નિધનથી ‘દુખી અને આઘાતમાં છે. તેમણે ટવિટર પર લખ્યું, ‘ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના. ભારત દુખની આ ઘડીમાં ઈરાનની સાથે છે. નવી દિલ્હી અને તહેરાન વચ્ચે ચાબહાર પોર્ટના સંચાલન પર ઐતિહાસિક ડીલ બાદ રઈસીનું મોત થયું છે.
આ ડીલ બાદ ભારતને આગામી 10 વર્ષ માટે ચાબહાર ચલાવવાનો અધિકાર મળી ગયો છે, જે તેને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં વેપાર માટે પ્રવેશ આપશે. આ ડીલ બાદ અમેરિકાએ ભારતને પ્રતિબંધો અંગે ચેતવણી આપી હતી, જેનો ભારતીય વિદેશ મંત્રીએ બેફામ જવાબ આપ્યો હતો. જયશંકરે કહ્યું હતું કે આ બંદરથી સમગ્ર વિસ્તારને ફાયદો થશે અને અમેરિકાએ આ મામલે સંકુચિત વલણ ન અપનાવવું જોઈએ.
અન્ય દેશો સાથે સંબંધો
ઈરાનના અન્ય દેશો સાથેના સંબંધો પહેલા જેવા જ રહેવાની સંભાવના છે, કારણ કે દેશની નીતિઓ પર કોઈપણ નિર્ણય, પહેલાની જેમ, સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેની દ્વારા લેવામાં આવશે. રવિવારે જ ખમેનીએ કહ્યું હતું કે ઈરાનના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર કોઈપણ અવરોધ વિના કામ કરશે.


