હેપેટાઇટિસ એક ચેપી રોગ છે જે મુખ્યત્વે લીવરને અસર કરે છે. લીવરમાં સોજો આવે ત્યારે આ બીમારી થયાનું ડોક્ટર નિદાન કરે છે. હેપેટાઇટિસ બીમારી પાંચ પ્રકારની છે. હેપેટાઈટસ એ, બી, સી, ડી અને ઇ. ખાસ કરીને વરસાદના દિવસોમાં આ બીમારીનો પ્રકોપ વધે છે. WHOના રીપોર્ટ મુજબ દુનિયામાં દર 30 વ્યક્તિમાંથી લગભગ 2 લોકો આ રોગના શિકાર થાય છે.
હેપેટાઇટિસના લક્ષણો
આ બીમારીનું જલદી નિદાન થઈ શકતું નથી. એટલે કે તેના લક્ષણો સામાન્ય હોવાથી લોકોના ધ્યાનમાં જલદી આવતા નથી. લોકો આ સામાન્ય લક્ષણોને નજર અંદાજ કરતા હોય છે. પરંતુ જ્યારે તમને સતત થાક, તાવ, ભૂખ ન લાગવી અને ઉબકા અને પેટમાં સતત બળતરા થતું હોય તેવું લાગે છે. થાકના કારણે દર્દીઓ સુસ્તીનો અનુભવ કરે છે. સૌથી મોટું લક્ષણ ત્વચાની પીળાશ છે. શરીરમાં આ લક્ષણો દેખાય ત્યારે ચેતી જાવ. આ રોગને વધતો અટકાવવા આ લક્ષણો દેખાતા જ સમયસર પરીક્ષણ કરાવી લો.
કેવી રીતે ફેલાય છે હેપેટાઇટિસ ?
દૂષિત પાણી અને ખોરાક: હેપેટાઇટિસ A અને E વાયરસ સામાન્ય રીતે દૂષિત પાણી અને ખોરાકના સેવન દ્વારા ફેલાય છે. લારીઓ મળતો ખુલ્લો ખોરાક, ગંદુ પાણી અને નબળી સ્વચ્છતા આ બીમારીના મુખ્ય સ્ત્રોત છે.
ચેપગ્રસ્ત વ્યક્તિ મારફતે : હેપેટાઇટિસ B, C અને D વાયરસ ચેપગ્રસ્ત લોહી, સિરીંજ, સોય, અસુરક્ષિત સેક્સ દ્વારા અને ચેપગ્રસ્ત માતાથી જન્મ સમયે બાળકમાં ફેલાય છે. હેપેટાઇટિસ બી અને સી ખાસ કરીને ગંભીર છે કારણ કે તે લાંબા સમય સુધી શરીરમાં લક્ષણો પેદા કર્યા વિના રહી શકે છે અને ધીમે ધીમે યકૃતને નુકસાન પહોંચાડી શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )