- ઇન્ડિયન એર ફોર્સે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી
- IAFએ રાત્રિના સમયે હર્ક્યૂલસ વિમાનના લેન્ડિંગનો વીડિયો શૅર કર્યો
- ટ્રેનિંગ દરમિયાન ટેરેન માસ્કિંગનું કામ કરીને ગરુડ કમાન્ડો પણ તહેનાત કરાયા
ભારતીય હવાઇદળે એક મોટી સિદ્ધિ મેળવતા પહેલીવાર રાત્રિના ગાઢ અંધકારમાં કારગિલમાં એર સ્ટ્રિપ પર C-130J હર્ક્યૂલસ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. હવાઇદળ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ ગણાઇ રહી છે. રાત્રિના સમયે લેન્ડિંગનો વીડિયો શૅર કરતા IAFએ જણાવ્યું કે પહેલીવાર IAF દ્વારા C-130J વિમાનનું કારગિલમાં એર સ્ટ્રિપ પર નાઇટ લેન્ડિંગ કરવામાં આવ્યું. આ ટ્રેનિંગ દરમિયાન ટેરેન માસ્કિંગનું કામ કરીને ગરુડ કમાન્ડો પણ તહેનાત કરાયા. ટેરેન માસ્કિંગ એક લશ્કરી વ્યૂહરચના છે, જેનો ઉપયોગ કરીને દુશ્મનના રડારથી બચવા માટે પહાડો, જંગલો જેવા કુદરતી સ્થળોનો ઉપયોગ કરાય છે.
તેનો ઉદ્દેશ દુશ્મનથી છુપાઇને મિશનને અંજામ આપવાનો હોય છે. આ અગાઉ ગત નવેમ્બરમાં એર ફોર્સે બે C-130J સુપર હર્ક્યૂલસ સૈન્ય પરિવહન વિમાનોને ઉત્તરાખંડમાં એક અલ્પવિકસિત હવાઇ પટ્ટી પર પણ સફળતાપૂર્વક ઉતાર્યું હતું. ખરાબ હવામાનમાં નજીકની નિર્માણાદીન પહાડી સુરંગમાં ફસાયેલા શ્રામિકોને બચાવવામાં મદદ કરવા માટે હેવી એન્જિનિયરિંગ ઉપકરણો પહોંચાડવાના મિશનના ભાગરૂપે આમ કરાયું હતું. કારગિલ ચારેય બાજુથી પર્વતોથી ઘેરાયેલું હોવાના કારણે ત્યાં લેન્ડિંગ ખૂબ જ પડકારજનક છે. શિયાળામાં ત્યાં હિમવર્ષાને કારણે લેન્ડિંગ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ રાત્રિના સમયે હિમવર્ષા દરમિયાન વિમાનોએ અંધારામાં પહાડોથી બચવા ઉપરાંત માત્ર નેવિગેશન પર આધાર રાખવો પડે છે.


