લેબનોનની રાજધાની બેરૂત સહિત અન્ય ઘણા સ્થળોએ પેજર વિસ્ફોટો બાદ હિઝબુલ્લાએ જવાબી કાર્યવાહી કરી છે. લેબનોનની લડાયક દળ હિઝબુલ્લાહે કિરયાત શિમોના પર 20 રોકેટ છોડ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છોડવામાં આવેલા કેટલાક રોકેટને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક રોકેટ લક્ષ્ય સુધી પહોંચી ગયા હતા. જો કે, હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. નોંધનીય છે કે, કિરયાત શિમોના ઈઝરાયેલ-લેબનોન સરહદ પર આવેલું ઈઝરાયેલનું ગામ છે. તે જ સમયે, બેરુતમાં પેજર બ્લાસ્ટ પછી, વોકી-ટોકી અને કેટલાક જૂના પેજર્સમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે.
હિઝબુલ્લાહના કોમ્યુનિકેશન ડિવાઇસમાં બ્લાસ્ટ થયો
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે, વોકી-ટોકી પર થયેલા વિસ્ફોટોમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ પહેલા મંગળવારે લેબનોનમાં પેજર દ્વારા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં 2800થી વધુ લોકો ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્ફોટ એ કોમ્યુનિકેશન ડિવાઇસ પર થયા હતા. જેનો હિઝબુલ્લાહ ઉપયોગ કરી રહ્યું હતું. હિઝબુલ્લાએ ઈઝરાયલ પર પેજર વિસ્ફોટોનો આરોપ લગાવ્યો છે. જ્યાર બાદ હિઝબુલ્લાએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે, આ અંગે ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ
ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર 2023ના રોજ યુદ્ધ શરૂ થયું હતું અને તે જ દિવસથી ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ગોળીબાર ચાલુ છે. હિઝબુલ્લાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે ઈરાન સમર્થિત પેલેસ્ટિનિયન જૂથને સંપૂર્ણ સમર્થન આપશે.
હિઝબુલ્લાહ કોણ છે?
હિઝબોલ્લાહ લેબનોનમાં એક શિયા મુસ્લિમ સંગઠન છે જે રાજકીય રીતે પ્રભાવશાળી છે અને દેશના સૌથી શક્તિશાળી લશ્કરી દળને નિયંત્રિત કરે છે. આ સંગઠન 1980ના દાયકામાં અમલમાં આવ્યું. જ્યારે લેબનીઝ ગૃહ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી દળોએ દક્ષિણ લેબનોન પર કબજો કર્યો. બાદમાં હિઝબુલ્લાહ ઇઝરાયલી દળોને લેબનોનમાંથી બહાર કાઢવામાં સફળ થયો.


