- આસારામની ખબર કાઢવાના નામે ફરીથી હંગામી જામીન અરજી કરી
- તમારા પિતાની નાદુરસ્ત તબિયત વિષે પણ ચકાસણી કરવી પડશે : HC
- નારાયણ સાંઈ તેમના બિમાર પિતા આસારામની મુલાકાત લેવા ઇચ્છે છે
સાધિકાઓ પર દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇએ પોતાના પિતા આસારામની ખબર કાઢવા અને તેમને મળવા માટે નવેસરથી હંગામી જામીન અરજીમાં જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ વિમલ કે.વ્યાસની ખંડપીઠે ફરી એકવાર નારાયણ સાંઇની વિશ્વસનીયતાને લઇ સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું કે, તમે તમારા પિતાની તબિયત નાદુરસ્ત અંગેના જે દાવાઓ કર્યા છે, તેની ખરાઇ- ચકાસણી કરવી પડશે. કારણ કે, આ અદાલતને હવે તમારી પર વિશ્વાસ નથી. નારાયણ સાંઇ તરફ્થી હાઇકોર્ટને વિનંતી કરાઇ હતી કે, તેઓ તેમના બિમાર પિતા આસારામની મુલાકાત લેવા ઇચ્છે છે, તેમની સારવાર એઇમ્સ(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ્ મેડિકલ સાયન્સ), રાજસ્થાનમાં ચાલી રહી છે. જેથી હાઇકોર્ટે નારાયણ સાંઇને સવાલ કર્યો હતો કે, તમારા અસીલ ત્યાં જઇને શું કરશે…? નારાયણ સાંઇના વકીલ તરફ્થી પ્રત્યુતર અપાયો કે, એઇમ્સની પેનલ પરના ડોકટરનું પ્રમાણપત્ર પણ છે કે જેઓ તેમના પિતાની સારવાર કરી રહ્યા છે. જેથી હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં જણાવ્યું કે, અમારે તમે રજૂ કરેલા આ દસ્તાવેજો ચકાસવા પડશે કારણે તમારા અસીલ(નારાયણ સાંઈ)નો ઇતિહાસ જોતાં અમે તેની પર વિશ્વાસ કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા પહેલાં જ હાઇકોર્ટે નારાયણ સાંઇને આ જ કેસમાં હંગામી જામીન આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો


