- હરિયાણાની ખટ્ટર સરકારને હાઇકોર્ટનો ઝટકો
- ખાનગી નોકરીઓમાં અનામતની જોગવાઇ રદ કરી
- હાઇકોર્ટે ગેરબંધારણીય ઠેરવી
હરિયાણાની ખટ્ટર સરકારને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ખાનગી નોકરીઓમાં 75 ટકા અનામતની જોગવાઈને રદ કરી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યુ છે. હાઈકોર્ટે હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ એક્ટ, 2020ને ગેરબંધારણીય ગણાવ્યો અને કહ્યું કે આ કાયદો અત્યંત જોખમી છે અને બંધારણના ભાગ-3નું ઉલ્લંઘન છે.
હાઇકોર્ટમાં પડકારી હતી નીતિ
ઔદ્યોગિક સંસ્થાઓએ હરિયાણા સરકારની આ નીતિને હાઈકોર્ટમાં પડકારી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણા સરકાર ખાનગી ક્ષેત્રમાં આરક્ષણ આપવા માંગે છે, જે નોકરીદાતાઓના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. કારણ, ખાનગી ક્ષેત્રની નોકરીઓ સંપૂર્ણપણે કૌશલ્ય અને વિશ્લેષણાત્મક મિશ્રણ પર આધારિત છે. જે કર્મચારીઓ ભારતના નાગરિક છે તેમનો દૃષ્ટિકોણ એ છે કે તેઓને તેમના શિક્ષણના આધારે ભારતના કોઈપણ ભાગમાં નોકરી મેળવવાનો બંધારણીય અધિકાર છે.
શું છે કાયદામાં જોગવાઇ ?
મહત્વનું છે કે હરિયાણામાં 2021માં ખાનગી નોકરીઓમાં અનામતના કાયદાની સૂચના જાહેર કરવામાં આવી હતી. હરિયાણા સ્ટેટ લોકલ પર્સન્સ એમ્પ્લોયમેન્ટ એક્ટ 2020 15 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. તેનું નોટિફિકેશન 2021માં જ બહાર પાડવામાં આવ્યું હતું. આ કાયદો 10 વર્ષ સુધી અસરકારક રહેશે તેમ કહેવાયું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સને કાયદામાં 2 વર્ષની છૂટ આપવામાં આવશે. તેમજ આઇટીઆઇ પાસ થયેલા યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું કાયદામાં એવું કહેવામાં આવ્યું હતું કે માત્ર હરિયાણાના વતનીઓને જ યોજનાનો લાભ મળશે. ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના નાયબ નિયામક સ્તરના અધિકારીઓ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવશે. ઈંટના ભઠ્ઠાઓ પર આ નિયમ લાગુ પડશે નહીં. ઓડિશા અને ઝારખંડના કામદારો ત્યાં કામ કરશે, આવા કામદારો હરિયાણામાં ઉપલબ્ધ નથી. બાંધકામ ક્ષેત્રના કામમાં પશ્ચિમ બંગાળના કામદારોને પ્રાથમિકતા મળશે. તેની પાસે આમાં નિપુણતા છે.