- ડૉ. ભૃગુનાથ સિંહની નિમણૂક યુજીસીની માર્ગદર્શિકા વિરુદ્ધ
- અરજદારપક્ષ તરફ્થી પિટિશનમાં આક્ષેપ કરાયો હતો
- ભારતીય બંધારણની કલમ-12 અન્વયે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે
ઇન્સ્ટિટયૂટ ઓફ્ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (આઇઆઇટીરામ)માં ડાયરેકટર જનરલ (વાઇસ ચાન્સલર) તરીકે ડો.ભૃગુનાથ સિંહની નિમણૂંકને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં કોર્ટે આઇઆઇટીરામ, યુજીસી, રાજય સરકાર, નવનિયુકત ડાયરેકટર જનરલ ડો.ભૃગુનાથ સિંહને કારણદર્શક નોટિસ જારી કરીને કેસની સુનાવણી આવતા મહિને રાખી છે.
અરજદારપક્ષ તરફ્થી પિટિશનમાં આક્ષેપ કરાયો હતો કે, આઇઆઇટીરેમના ડાયરેકટર જનરલ(વાઇસ ચાન્સેલર) તરીકે ડો. ભૃગુનાથ સિંહની નિમણૂંક ગેરકાયદે અને યુજીસીની માર્ગદર્શિકાની વિરૂદ્ધની હોઇ હાઇકોર્ટે તેને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવી જોઇએ. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, યુજીસીની માર્ગદર્શિકા પરથી સ્પષ્ટ છે કે વાઇસ ચાન્સેલરની પસંદગી માટે સર્ચ કમીટીમાં યુનિવર્સિટી કે તેની સાથે જોડાણ ધરાવતી કોલેજોમાંથી કોઇને આપોઆપ સમાવી શકાય નહી. સર્ચ કમિટીના સભ્યો જ યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર હોવાથી પણ આ નિમણૂક યુજીસી ગાઇડલાઇન્સની વિરૂદ્ધની અને ગેરકાયદે ઠરે છે. ઉલ્લેખનીય છે કે, આઇઆઇટીરેમ એ સ્વાયત્ત યુનિવર્સિટી છે જે રાજય સરકાર દ્વારા 2013માં આઇઆઇટીરેમ એકટ હેઠળ સ્થાપિત કરાઇ હતી. તે સો ટકા ગ્રાંટ ઇન એઇડ સંસ્થા છે અને તેથી તે ભારતીય બંધારણની કલમ-12 અન્વયે સ્ટેટની વ્યાખ્યામાં આવે છે. વર્ષ 2022માં યુનિવર્સિટીએ ડાયરેકટર જનરલના હોદ્દા માટે લાયક ઉમેદવારોની પસંદગી માટે જાહેરાત આપી હતી. જો કે, જાહેરાત પણ અયોગ્ય હોઇ અરજદાર દ્વારા તેને પડકારાઇ હતી પરંતુ હાઇકોર્ટે તે કેસનો નિકાલ કર્યો હતો. અરજદાર પણ આ હોદ્દા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હતા પરંતુ તેઓ સમયમર્યાદામાં એપ્લાય કરી શકયા ન હતા.


