- પોતે બે વર્ષનો હતો ત્યારે દાદીમા નવડાવતા હતા એ ફોટો અપલોડ કરનારા
- ગૂગલે આ ચાઇલ્ડ એબ્યૂઝ હોવાનું કહી એક વર્ષથી એકાઉન્ટ બ્લોક કરી દીધું છે
- ગૂગલ ડ્રાઇવ પર કેટલાક ફોટો અપલોડ કર્યા હતા
પોતાનો બાલ્યાવસ્થાનો એક ફોટો ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરવા બદલ ગુજરાતનો એક શખ્સ લગભગ છેલ્લા એક વર્ષથી તેના જી-મેલ એકાઉન્ટથી વંચિત છે અને આ એકાઉન્ટ એક્સેસ કરવા માટે તેણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવવા પડયા છે. તેની અરજીના પગલે હાઇકોર્ટે તેનું જી-મેલ એકાઉન્ટ ચાઇલ્ડ એબ્યૂઝ મામલે બ્લોક કરવા બદલ ગૂગલ ઇન્ડિયા પ્રા. લિમિટેડને નોટિસ પાઠવી છે. અરજદાર નીલ શુક્લ કમ્પ્યૂટર એન્જિનિયર છે. તેણે ગૂગલ ડ્રાઇવ પર કેટલાક ફોટો અપલોડ કર્યા હતા, જેમાં તે બે વર્ષનો હતો ત્યારે તેના દાદીમા તેને નવડાવતા હતા એ ફોટો પણ હતો. હાઇકોર્ટનાં જસ્ટિસ વૈભવી નાણાવટીની કોર્ટે આ મામલે ગૂગલ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી 26 માર્ચ સુધીમાં જવાબ માગ્યો છે.
અરજદારના વકીલ દિપેન દેસાઇએ કોર્ટને જણાવ્યું હતું કે ગૂગલે ગત એપ્રિલમાં નીલનું એકાઉન્ટ સ્પષ્ટ ચાઇલ્ડ એબ્યૂઝ દર્શાવતા કન્ટેન્ટ સંબંધી પોલિસીનું ઉલ્લંઘન કરવા બદલ બ્લોક કરી દીધું હતું. કંપની તેની ફરિયાદ નિવારણ મિકેનિઝમ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફ્ળ ગયા પછી અરજદારે ગત 12 માર્ચે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગૂગલે ઇમેલ એકાઉન્ટ બ્લોક કર્યું ત્યારથી અરજદાર પોતાનું ઇમેલ એકાઉન્ટ એક્સેસ કરી શક્યા નથી અને તેના કારણે તેમના બિઝનેસને નુકસાન થયું છે.
અરજદારે ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનો સંપર્ક કર્યો હતો, જે ભારતમાં આવી બાબતો માટે નોડલ એજન્સી છે પરંતુ તેઓ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફ્ળ ગયા હતા. છેવટે તેણે હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી હતી. અરજદારે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરતા ઉમેર્યું હતું કે તેને ગૂગલ તરફ્થી એક નોટિસ મળી હતી, જેમાં જણાવાયું હતું કે તેના એકાઉન્ટનો બધો ડેટા આ વર્ષે એપ્રિલમાં ડિલીટ કરી દેવામાં આવશે.


