- 5 જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે
- હિંમતનગર નગરપાલિકા દ્રારા સમગ્ર હિંમતનગરમાં 5100 વૃક્ષો વાવવાનો નિર્ણય કરાયો
- નગરપાલિકાના સદસ્યો અને કર્મચારીઓએ આ વૃક્ષારોપણમાં લીધો ભાગ
5 જૂને સમગ્ર ભારતમાં વિશ્વપર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,તે અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્રારા 5100 વૃક્ષો વાવવાનું નિર્ધાર કરવામાં આવ્યો છે.આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ,કોર્પોરેટરો,કર્મચારીઓ હાજર રહ્યા હતા.ટાવર બગીચાના પાર્કિંગ એરીયા તેમજ વિવિધ વોર્ડ વિસ્તારના કોમન પ્લોટમાં સામૂહિક વૃક્ષારોપણ કર્યુ હતુ.
પર્યાવરણને લઈ સરકાર પણ એલર્ટ
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે ગાંધીનગરમાં નમો વડ વનની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું.એક હેક્ટર વિસ્તારમાં સાડા છ હજાર રોપાઓનો ઉછેર કરીને ગાઢ જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે.દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2022ના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 33 જિલ્લાઓમાં 75 સ્થળોએ નમો વડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.
સમગ્ર ભારતમાં કરાશે સ્વચ્છતા
ભારત સરકાર દ્વારા વર્ષ 2014માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન 1.0 સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ 2026 સુધીમાં તમામ શહેરોને કચરા-મુકત શહેરો બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા પખવાડિયાનું આયોજન
રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, એન્ટ્રી પોઇન્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને સ્વચ્છતા પહેલમાં NGO તથા સ્થાનિક સમુદાયોને સામેલ કરવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત દ્વારા તારીખ 1 જૂન થી તા. 15 જૂન 2024 દરમિયાન નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.


