ઇમિગ્રેશનની પ્રક્રિયા તાત્કાલીક પૂર્ણ કરવા સહિત વિવિધ ઉદ્યોગ બાબતે રાજકોટ ચેમ્બરની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગોના વિવિ પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સયુંક્ત મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ ચેમ્બરો અને એસોસીએનોને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપેલ હતું. જેમાં ભાવનગર ચેમ્બર, જામનગર ચેમ્બ૨, જુનાગઢ ચેમ્બર, પોરબંદર ચેમ્બર તેમજ રાજકોટના વિવિધ સેકટરના ૩૦ જેટલા એસોસીએશનો ઉપસ્થિત રહયા હતા.
આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ કલીયરન્સની પ્રક્રિયા પુર્ણ થઈ ગયેલ છે. ત્યારે ઈમિગ્રેશનની પ્રક્રિયા તાત્કાલીક અસરથી પુરી કરવી અને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ કરાવવી ખાસ જરૂરી છે. સમગ્ર દેશમાં વન નેશન વન ટેક્ષના નિર્ણયના ભાગરૂપે વર્ષ ૨૦૧૭માં GST નું અમલીકરણ થયેલ છે. ત્યારે દેશના અન્ય ઘણાં રાજયોમાં પ્રોફેશનલ ટેક્ષ વસુલવામાં આવતો નથી. તેથી સમગ્ર ગુજરાત રાજયમાર્થી વ્યવસાય વેરો સંપુર્ણ પણે નાબુદ કરવો.
ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીને બુસ્ટ આપવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર આ સેકટરને ખુબ જ પ્રોત્સાહીત કરી રહયું છે. રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહયું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના ૨૫% દરે જમીન ફાળવવી. જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે. તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એકસપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે. વધુમાં રાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ ફોર્જીંગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આવા ઉદ્યોગને વધુ વેગ મળે.
રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ઝડપથી સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને વેપાર-ઉદ્યોગોનો વ્યાપ વધે. સાથે જ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અન્ય સ્થળે જે કરવું પડયું તે આગામી સમયમાં રાજકોટ ખાતે ડેવલોપ થયેલા કન્વેન્શન સેન્ટરમાં જ કરી શકાય. રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઈન્ડસ્ટ્રીયલ હબ હોય તેમજ દિન-પ્રતિદીન નિકાસ વધી રહયું હોય ત્યારે રાજકોટ ખાતે ઈનલેન્ડ કન્ટેઈનર ડેપો (ICD) સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આયાત-નિકાસકારોને વધુ વેગ મળી શકે.
દેશના અન્ય રાજયોએ તેમની ઔદ્યોગીક નીતીમાં ઘણું સરળીકરણ કર્યું છે. ત્યારે ગુજરાત રાજય દેશનું ગ્રોથ એન્જીન માનવામાં આવે છે. તેથી અન્ય રાજયો કરતા ગુજરાત રાજયની નવી ઔદ્યોગીક નીતીમાં સુધારા-વધારા કરી વધારે સરળ કરવી ખુબ જ જરૂરી છે. કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર સોલાર પ્રોજેકટને ખુબ જ મહત્વ આપી રહી છે. ત્યારે ગુજરાતમાં સોલાર પોલીસીમાં સરળીકરણ કરી બિલીંગ સાઈકલની અગેઈન્ટસમાં બેન્કડ એનર્જી ૩૦% ના બદલે ૧૦૦% કરી આપવું. જેથી કરીને સોલાર પ્રોજેકટોને બુસ્ટ મળે તેમ અંતમાં જણાવ્યું છે.


