રસ્તો ઓળંગતા સમયે જ યમદૂત બની ત્રાટકેલો ત્રાટકેલા ટ્રક ફરાર
રાજકોટ શહેરમાં માધાપર ચોકડી બ્રિજ નજીક આજે સવારના સમયે એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મોરબી રોડ તરફથી આવતા એક બેકાબુ ટ્રકે રસ્તો ઓળંગી રહેલા આધેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, માધાપર ચોકડી બ્રિજ નીચેથી પગપાળા પસાર થઈ રહેલા પ્રકાશભાઈ બીજલભાઈ બરાલિયા (ઉંમર આશરે 50 વર્ષ)ને આજે સવારે એક ટ્રકે હડફેટે લીધા હતા. અકસ્માતમાં તેમને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા આસપાસના લોકોએ તાત્કાલિક 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક ગાંધીગ્રામ લાખના બંગલા નજીક આવેલા ગોવિંદનગર વિસ્તારમાં રહેતા હતા અને વ્યવસાયે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી મોટા હતા. તેમના પરિવારજનોમાં એક દીકરો અને બે દીકરી છે. રોજિંદા કામની જેમ આજે પણ તેઓ વહેલી સવારે સિક્યોરિટી ગાર્ડની નોકરી માટે ઘરેથી નીકળ્યા હતા અને માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગતી વખતે બ્રિજ નીચે પસાર થતા ટ્રકે તેમને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે.
હાલ પોલીસે ફરાર ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે ટ્રકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અકસ્માતે ફરી એકવાર શહેરમાં હિટ એન્ડ રનના વધતા બનાવોને લઈને ચિંતા ઊભી કરી છે.


