મુમતાઝ ખાનના ચાર ગોલની ઉપરાંત કનિકા સિવાચ અને દીપિકાએ ગોલની હેટ્રિક નોંધાવતા ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે વિમેન્સ જુનિયર એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશને 13-1થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ગ્રૂપ-એની મેચમાં વિજેતા ભારતીય ટીમ માટે મુમતાઝે 27મી, 32મી, 53મી તથા 58મી મિનિટે ગોલ કર્યા હતા.
મેચમાં ભારત માટે દીપિકાએ સાતમી, 20મી તથા 55મી અને કનિકાએ 12મી, 51મી તથા બાવનમી મિનિટે ગોલ કર્યા હતા. આ ઉપરાંત બ્યૂટી ડુંગ ડુંગે 33મી તથા ઉપસુકાની સાક્ષી રાણાએ 43મી મિનિટે ગોલ કરીને ભારતનો એકતરફી વિજય નિશ્ચિત કર્યો હતો. બાંગ્લાદેશ માટે ઓરપિતા પાલે 12મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતનો બીજો મુકાબલો ગ્રૂપમાં રમેલા મલેશિયાની ટીમ સામે થશે. ભારતીય ટીમ પોતાના ટાઇટલને બચાવવા માટે તથા આગામી વર્ષે 2025માં ચિલીના સેન્ટિયાગો ખાતે રમાનારા જુનિયર વર્લ્ડ કપ માટે સીધું ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે. સેમિફાઇનલમાં પ્રવેશ કરનાર ચારેય ટીમને વર્લ્ડ કપમાં આપોઆપ સ્થાન મળશે.


