ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો પવિત્ર તહેવાર. આ દિવસે માનવ મુક્તમને વિહાર કરે છે. સભ્યતાનાં ભારેખમ બંધનોને ફંગોળીને માનવ એકદમ હળવો બનીને, તમામ મર્યાદાઓને એક તરફ રાખીને મુક્તમને આ તહેવારને માણે છે. અતિ બંધનોથી બંધાયેલો માનવ બંધનમુક્ત થઈને આ તહેવારને આનંદપૂર્વક મનાવવાનો પ્રયત્ન કરે છે.
હોળીનો ઉત્સવ એટલે વસંતનાં વધામણાં કરવાનો ઉત્સવ. ખાસ વાત એ છે કે આ વસંતના વૈભવમાં સંયમને પણ ભૂલવાનો નથી.
આ પ્રસંગ માટે સદાશિવે આપણને સુંદર સંદેશ આપ્યો છે. વસંતના વૈભવમાં કામાંધ કામદેવે શિવજી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સદાશિવે કામદેવની કામવાસના દૂર કરી અને તેની કામાંધ પ્રવૃત્તિનો નાશ કર્યો. આ ઘટના પ્રસંગથી શિવજી માનવને એ સંદેશ આપે છે કે વસંતના વૈભવમાં સંયમને ખોયા વગર મુક્તમને, બંધનમુક્ત થઈને હોળીનો આ ઉત્સવ ઊજવવો જોઈએ.
હોલિકા ઉત્સવની સાથેસાથે
એ જ દિવસે વિવિધ ઉત્સવ
- વસંતના વૈભવમાં કામાંધ કામદેવે શિવજી ઉપર પોતાનો જાદુ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને શિવજીનું ધ્યાનભંગ કર્યું હતું ત્યારે સદાશિવે ગુસ્સે થઈને કામદેવની કામાંધ પ્રવૃત્તિ તેમજ કામવાસના દૂર કરી કામદેવનું દહન કર્યું હતું એ જ આ દિવસ.
- વ્રજભૂમિમાં આ ઉત્સવ ફાગ ઉત્સવ તરીકે ઊજવાય છે. ખાસ કરીને શ્રી વૈષ્ણવોનો હોળી ઉત્સવ આ રીતે ઊજવાય છે. વૈષ્ણવો હોલિકા દહનને બદલે પૂતના દહન કરે છે. વ્રજમાં બાળકો ફાગણ-સુદ-14એ પૂતનાની પ્રતિમા બનાવીને તેને સળગાવે છે અને ફાગણ પૂનમે રંગોથી હોળી રમે છે.
- ભાગવત પુરાણમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને આત્મ ન્યૂનતા સતાવતી હતી કે રાધા ખૂબ ગોરી છે અને પોતે શ્યામ વર્ણના હતા. બંનેના રંગમાં ખાસ્સું અંતર હતું. કનૈયાએ પોતાની મા યશોદા પાસે શંકા વ્યક્ત કરી કે રાધા ગોરી છે તે મને શ્યામ વર્ણને ચાહશે કે નહીં? ત્યારે યશોદાએ સલાહ આપી કે તું રાધાને રંગથી રંગી દે, તેની ઉપર ગુલાલ ઉડાડી તેને પણ શ્યામ વર્ણની બનાવી દે. આ સલાહ માની શ્રીકૃષ્ણએ રાધા ઉપર ગુલાલ ઉડાડ્યો અને વ્રજમાં રાધાકૃષ્ણ વચ્ચે ગુલાલ ઉત્સવ પ્રથમ વખત થયો. તે પવિત્ર યાદમાં આપણે હોળી-ધુળેટીમાં ગુલાલ ઉત્સવ મનાવીએ છીએ.