- હોમગાર્ડના જવાનો બની ગયા દેવદૂત
- હાર્ટએટેક આવતા બાઈકસવારને આપ્યું સીપીઆર
- સીપીઆર આપતા બાઈકસવારનું મોત ન થયું
ખેડામાં આજે એક અણધારી ઘટના બની હતી, જેમાં એક યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો ત્યારે આ વખતે હોમગાર્ડના જવાનોની સમયસચૂકતાના કારણે આ યુવાનનો જીવ બચી શક્યો હતો. આમ આજે હાર્ટએટેક અને યુવાનના મોતની વચ્ચે હોમગાર્ડના જવાનો આવી ગયા હતા અને યુવાનનો જીવ બચી શક્યો હતો.
આ ઘટનાની માહિતી પ્રમાણે ખેડા જિલ્લામાં મહેમદાવાદના આમસરણ પાસે બાઈક ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ દરમિયાન ખેડા જિલ્લામાં હોમગાર્ડ્ઝ દળમાં ફરજ બજાવતા બે સભ્યોએ બાઈકચાલકને સીપીઆર આપીને તેનો જીવ બચાવ્યો હતો. આમ આ બાઈકચાલકનો મોતના મુખમાંથી ઉગરી ગયો હતો અને હાર્ટએટેકના સમયે તેને ઈમરજન્સી સીપીઆર મળી જવાથી તેનું જીવન બચી શક્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પોલીસદળના જવાનો અને હોમગાર્ડના જવાનોને સીપીઆર આપવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેનાથી કોઈ પણ વ્યક્તિને ઈમરજન્સીમાં જ્યારે હાર્ટએટેકનો હુમલો આવે અને તેની આસપાસમાં હોસ્પિટલ ન હોય ત્યારે તેનો જીવ બચાવવા માટે આ સીપીઆર દ્વારા તેને આફતના સમયમાં તેનો જીવ બચાવી શકાય છે. મહત્વનું છે કે આ તાલીમના લીધે હોમગાર્ડ્ઝના 2 જવાનો આજે આધેડ બાઈકસવારનો જીવ બચાવી શક્યા હતા.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે હોમગાર્ડઝ જવાનો મહેમદાવાદ-અમદાવાદ રોડ આમસરણ પાટીયા નજીક પેટ્રોલીગમાં હતા ત્યારે આ ઘટના બની હતી. મહત્વનું છે કે હોમગાર્ડઝ દળના મહેમદાવાદ યુનિટમા ફરજ બજાવતા મનોજભાઇ જેસંગભાઇ વાઘેલા તેમજ અબ્દુલકાદર મલેકે આધેડ વ્યક્તિને સીપીઆર આપીને તેનો જીવ બચાવ્યો હતો.
નોંધનીય છે કે બાઇક સવાર આઘેડ પુરુષને ચાલુ બાઇકે એકાએક હૃદય રોગનો હુમલો આવતા તે રોડ પર પટકાયા હતા ત્યારે પાછળથી આવતા પોલીસ વાનમાં હોમગાર્ડના જવાનો આ સમગ્ર ઘટના જોતા તુરંત એક્શન મોડમાં આવી ગયા હતા અને દર્દીને તાત્કાલિક સીપીઆર આપી જીવ બચાવીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ તરફ રવાના કર્યા હતા. આમ હોમગાર્ડ્ઝના જવાનો આજે આ વ્યક્તિ માટે ભગવાન બનીને આવ્યા હતા અને તેનો જીવ બચાવ્યો હતો.


