- અમેરિકા અને ચીન બંને ચંદ્ર પર સ્થાયી સ્ટેશન બનાવવાની કોશિશ કરે છે
- અંતરિક્ષના ક્ષેત્રમાં ચીનની અસાધારણ પ્રગતિ પણ મોટા ભાગના કાર્યક્રમો ગુપ્ત
- ચીન પોતાનું અંતરિક્ષ સ્ટેશન 2022માં જ બનાવી ચૂક્યું છે
નાસા પ્રમુખ બિલ નેલ્સને ચીનની બાબતમાં એક ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે તે અંતરિક્ષમાં એક ગુપ્ત સૈન્ય કાર્યક્રમ ચલાવી રહ્યું છે, જેથી તે ચંદ્ર પર પોતાનો દાવો કરી શકે. નાસાને આવી ચિંતા એટલા માટે છે કે ચીન પોતાનું અંતરિક્ષ સ્ટેશન 2022માં જ બનાવી ચૂક્યું છે. સાથે જ તેણે પોતાના ઉપગ્રહોની સંખ્યા બેગણી કરી નાખી છે.
નેલ્સને કહ્યું કે ચીન આ માહિતી છુપાવી રહ્યું છે. ચીન હંમેશા એમ કહેતું રહ્યું છે કે અંતરિક્ષમાં તેની પ્રવૃત્તિઓ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. તેનો ઉદ્દેશ કોઈ પણ પ્રકારનું અતિક્રમણ કરવાનો નથી. પરંતુ ચીનના ઇરાદા કંઈક જુદા જ છે. નેલ્સને કહ્યું કે, અમને લાગે છે કે અંતરિક્ષના ક્ષેત્રમાં ચીને અસાધારણ પ્રગતિ કરી છે પરંતુ તેના મોટા ભાગના કાર્યક્રમો ગુપ્ત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ચીન બંને ચંદ્ર પર સ્થાયી સ્ટેશન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ચાલુ વરસે માર્ચમાં ચીનના વૈજ્ઞાનિકોએ ડિઝનીલેન્ડના આકારનો ચંદ્ર બેઝ બનાવવાનું એલાન કર્યું હતું. US આર્ટેમિસ આઇઆઇઆઇ સપ્ટેમ્બર 2030 સુધીમાં લોન્ચ કરશે નેલ્સને કહ્યું કે, ચીનના ઇરાદાથી લાગે છે કે તે ચંદ્રના કેટલાક ભાગો પર પોતાનો કબજો જમાવવા માગે છે.
ચાર વર્ષમાં અબજો ડોલરનું રોકાણ
ચીને છેલ્લા ચાર વર્ષોમાં અંતરિક્ષ મિશન માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે. અમેરિકન સ્પેસ ફોર્સના કમાન્ડરે ચીનના ટ્રેકિંગ ઉપગ્રહો બાબતે ચેતવ્યા હતા, જેનો ઉપયોગ સૈન્ય અભિયાનોની દેખરેખ માટે કરી શકાય તેમ છે. ચીન વિશાળ જાસૂસી બલૂન્સ અને હાઇપરસોનિક મિસાઇલો પણ વિકસાવી રહ્યું છે.


