- સીએએને લઈને અમેરિકન કોંગ્રેસની રિસર્ચ વિંગ દ્વારા વિવાદિત રિપોર્ટ
- સીએએના અન્ય સમર્થકોએ CAAનો ઉદ્દેશ સંપૂર્ણ રીતે માનવીય હોવાનો દાવો કર્યો છે
- સીએએના અમલથી ભારતમાં બંધારણની કેટલીક કલમોનો ભંગ થઈ શકે છે
ભારતમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો અમલ કરવામાં આવ્યો છે તેને લઈને અમેરિકન કોંગ્રેસની રિસર્ચ વિંગ દ્વારા વિવાદિત રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સીએએના અમલથી ભારતમાં બંધારણની કેટલીક કલમોનો ભંગ થઈ શકે છે. ભારતના 1955ના નાગરિકતા અધિનિયમમાં સુધારો કરીને આ વર્ષે માર્ચ મહિનામાં સીએએને લાગું કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ(CRS)ના ઇન ફોકસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સીએએની મુખ્ય જોગવાઈઓથી ભારતીય બંધારણની કેટલીક કલમોનું ઉલ્લંઘન થઈ શકે છે. CAA હેઠળ 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં આવશે.
ભારત સરકાર એજન્ડાને અનુસરતી હોવાનો રેફરન્સ લીધો
યુએસ કોંગ્રેસના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીએએના વિરોધીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી એક હિંદુ બહુસંખ્યકવાદી, મુસ્લિમ વિરોધી એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે, જેને કારણે ભારતને સત્તાવાર રીતે ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનો દરજ્જો આપનારી છબી ખરડાય છે. તેની સાથોસાથ તેને કારણે માનવાધિકાર માનદંડો અને દાયિત્વોનું પણ ઉલ્લંઘન થાય છે. CRSના રિપોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ભારત સરકાર દ્વારા એનઆરસી અને સીએએ કાયદાના કારણે ભારતના લગભગ 20 કરોડ મુસ્લિમોના અધિકારો સામે ખતરો છે.


