NOC-BUP મુદ્દે વચલો રસ્તો કાઢી સીલ ખોલી આપવાની માંગણી નહીં પૂરી થતા વેપારીઓ આંદોલનના માર્ગે ચડ્યા : આગામી સમયમાં ગાંધીનગર સુધી અવાજ પહોંચાડાશે
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો ચકાસણી અર્થે શહેરમાં ઉતરી પડી હતી. એનઓસી અને બીયુપી મુદ્દે અસંખ્ય શાળાઓ, હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, બેંકવેન્ટ હોલ સીલ કરી દીધા હતા તમામ લોકોને કોઈપણ જાતની નોટિસ પાઠવ્યા વગર આ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે શાળા અને હોસ્પિટલના સંચાલકો સાથે કમિશનરે બેઠક કરી વચલો રસ્તો કાઢી આપ્યો હતો અને તમામના સીલ ખોલી નાખ્યા હતા. પરંતુ હાલ હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ બેન્કવેટ હોલ સહિતનાઓ છેલ્લા એક માસથી સીલ થઈને પડયા છે. જેમાં મનપાએ વચલો રસ્તો નહીં કાઢી આપતા વેપારીઓની હાલત કફોડી બની છે. ગઈકાલે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન દ્વારા બંધની જાહેરાત કરાતા આજરોજ સવારથી જ શહેરના હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ બંધમાં જોડાયા છે.
રાજકોટમાં ૨૫મી મેના રોજ થયેલા અગ્નિકાંડ પછી રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને ફાયર એન.ઓ.સી. તથા ગેરકાયદે બાંધકામ મુદ્દે સીલ મારવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અનેક જગ્યાએ નોટિસ આપ્યા વિના આડેધડ સીલ મરાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્રના આવા વલણથી વેપારીઓની હાલાકી વધી છે. રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો હાલ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. જેથી મહાનગરપાલિકા તંત્રને શાળા કોલેજો અને હોસ્પિટલો માટે જે વચલો રસ્તો કાઢ્યો છે તેવો રસ્તો કાઢી યોગ્ય કરી આપવા કહ્યું હતું. પરંતુ મનપા દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા હોટલ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ એસોસિએશન દ્વારા લડતના મંડાણ કરવામાં આવ્યા છે.
હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ પાઠકે જણાવ્યું હતું કે અમારી માંગ એક જ છે કે, રાજકોટ મનપા ટીમ દ્વારા અમને યોગ્ય સમય આપવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. ઘણા બધા એકમોમાં ફાયર માટેના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ ખૂટતા સાધનો પરિપૂર્ણ કરવા અમે બંધાયેલા છીએ. પરંતુ આ માટે અમને સમય આપવામાં આવે. કારણ કે એકમોને સીધા સીલ કરવાથી અમને આર્થિક પણ નુકસાન થઇ શકે તેમ છે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી બની છે. વચલો રસ્તો ન કાઢી હજુ પણ અમારા રેસ્ટોરન્ટ હોટલો સીલ છે. જેથી મહાનગરપાલિકાની જોહુકમી સામે આજરોજ તમામ વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. અને છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ રસ્તો કાઢી આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વેપારીઓનો અવાજ ગાંધીનગર સુધી પહોંચાડાશે.