હુતી બળવાખોરોને રોકવા દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યા છે. હુતી વિદ્રોહીઓ અમેરિકા અને ઈઝરાયેલ માટે દરરોજ નવી સમસ્યાઓ સર્જી રહ્યા છે. હુતી જૂથે દાવો કર્યો છે કે તેઓએ યમન પર અન્ય અમેરિકન MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું છે. હુતી બળવાખોરો, જેને અંસારાલ્લાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓએ ડ્રોનને અટકાવી અને ગોળીબાર કરતા હોવાનો એક કથિત વિડિયો પણ બહાર પાડ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર 7 ઓક્ટોબરના રોજ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષની શરૂઆતથી યમન પર તોડી પાડવામાં આવેલ આ મોડેલનું આ 13મું ડ્રોન છે. શનિવારે હુતી સશસ્ત્ર દળોના પ્રવક્તા યાહ્યા સારીએ 13માં અમેરિકન ડ્રોનને તોડી પાડવાની પુષ્ટિ કરી હતી. હુતી ચળવળ જેને સત્તાવાર રીતે અંસાર અલ્લાહ તરીકે ઓળખવામાં આવે છે, તેણે જણાવ્યું હતું કે યુએસ સર્વેલન્સ ડ્રોનને બાયદા પ્રાંતમાં ઠાર કરવામાં આવ્યું હતું. અમેરિકન ડ્રોનને ત્યારે તોડી પાડવામાં આવ્યું જ્યારે તે યમનના બાયદા વિસ્તારની ઉપરથી ઉડી રહ્યું હતું. બાયદા રાજધાની સના અને બંદરગાહ શહેર એડન વચ્ચે સ્થિત છે. હુતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્રોનને સપાટીથી હવામાં મારનાર SAM મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
હુથીઓએ લાલ સમુદ્રમાં કરી છે નાકાબંધી
ઑક્ટોબર 7, 2023 ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી પેલેસ્ટિનિયન પ્રતિકાર સાથે એકતામાં હુતી બળવાખોરોએ સેંકડો બેલિસ્ટિક મિસાઇલો અને ઇઝરાયેલ સામે ડ્રોન હુમલો કર્યો છે. તાજેતરમાં, ઇઝરાયેલે સના અને યમનના બંદરગાહ શહેરોમાં ડઝનેક હુમલા કર્યા છે જેથી હુતીઓને ડ્રોન અને મિસાઇલો શરૂ કરતા અટકાવી શકાય. હુતી ચળવળએ ગાઝામાં ઇઝરાયલી હુમલાના વિરોધમાં લાલ સમુદ્રમાં નાકાબંધી લાદી છે, જેણે ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજો તેમજ યુએસ અને કેટલાક યુરોપિયન દેશોના જહાજોની અવરજવરમાં અવરોધ ઉભો કર્યો છે. હુતી નાકાબંધી અને મિસાઇલ હુમલાના જવાબમાં, યુએસ અને બ્રિટને પણ અંસારલ્લાહ સામે અનેક હુમલાઓ શરૂ કર્યા છે.
હુથીઓએ અમેરિકન ડ્રોનને નષ્ટ કરવાનો દાવો કર્યો
હુતીઓનું કહેવું છે કે આ 13મું ડ્રોન હતું જે તેઓએ તોડી પાડ્યું હતું. જોકે અત્યાર સુધી યુએસએ MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. MQ-9 રીપર ક્લાસ ડ્રોનની કિંમત $31 મિલિયન એટલે કે 272 કરોડ રૂપિયા છે. તોડી પાડવામાં આવેલા અમેરિકન ડ્રોનની કુલ કિંમત આશરે $400 મિલિયન હોવાનો અંદાજ છે.